અમદાવાદ કોંગ્રેસ મહિલા પ્રમુખ બેફામ, બે વિવાદ સામે આવ્યા
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદો દૂર થતા નથી. આ વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહના બે વિવાદ સામે આવ્યા છે.
ઝીલ શાહે પોતાના જ કાર્યકર્તાને સોશિયલ મીડિયામાં ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખના ફોટો પર અભિનંદન આપતી કોમેન્ટ કરવા બાબતે ધમકાવ્યો હતો છે, જેના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. આ સાથે જ વ્યાજે આપેલા પૈસાને લઈને પણ ઝીલ શાહે અજાણી વ્યક્તિ સાથે ફોન પર બોલાચાલી કરી બેફામ ગાળાગાળી કરી હતી, જેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ઝીલ શાહની વાઇરલ ઓડિયો-ક્લિપમાં દરિયાપુર વોર્ડના કોંગ્રેસનાં કોર્પોરેટર માધુરીબેન કલાપીના પતિ ધ્રુવ કલાપીએ તને શિખવાડ્યું છે, એમ કહીને ઝીલ શાહ સામેની વ્યક્તિને ગાળો આપીને ધમકી પણ આપે છે. સમગ્ર ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઝીલ શાહે મારા ઘરે આવીને મારામારી કરીઃ સાગર ડબગર અમદાવાદ શહેર કોંગ્રેસનાં મહિલા પ્રમુખ ઝીલ શાહે દરિયાપુર વિસ્તારના જ કાર્યકર્તા એવા સાગર ડબગર નામના યુવકને સોશિયલ મીડિયામાં કોમેન્ટ બાબતે ધમકાવ્યો હતો. આ મામલે સાગર ડબગરે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઝીલ શાહ સામે અરજી પણ કરી છે.
આ અંગે સાગર ડબગરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખ સોનલબેન પટેલની નિમણૂક થતાં ફાલ્ગુનભાઈ મળવા ગયાં હતાં. આ સમયે મેં સોશિયલ મીડિયામાં એના માટે અભિનંદનનો મેસેજ કર્યો હતો, જેને લઈને ઝીલ શાહ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ સાથે મારા ઘરે આવીને બોલાચાલી કરી મારામારી પણ કરી હતી.
'તને બહુ પાંખો આવી ગઈ છે, સીધો રહેજે' કહી ડબગરને ધમકાવ્યો સોશિયલ મીડિયામાં સાગર ડબગરે ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખના ફોટો પર અભિનંદન આપતી કરેલી કોમેન્ટ બાબતે શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહે તેને મેસેજ કરીને ધમકી આપતાં લખ્યું છે કે તને બહુ પાંખો આવી ગઈ છે, સીધો રહેજે., આખા ગામની કોમેન્ટ લખવા નવરો પડી જાય છે, મારી પોસ્ટમાં કે બીજી પોસ્ટનો તને ટાઈમ નથી મળતો. આખા ગામમાં કોમેન્ટ કરવા નીકળી પડ્યો છે, સીધો રહેજે. હાલમાં ઝીલ શાહ અને કાર્યકર વચ્ચેના વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે.
ગુજરાતનાં મહિલા પ્રમુખને અભિનંદન આપતી કોમેન્ટને લઈને શહેર મહિલા કોંગ્રેસ-પ્રમુખ કાર્યકર્તા પર ગુસ્સે ભરાયાં હતાં. આ બાબતે ઝીલ શાહે બોલાચાલી બાદ મારામારી કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકર સાગર ડબગરે પોલીસમાં પણ ફરિયાદ કરી છે.
પૈસાની લેતી-દેતીમાં ઝીલ શાહે સામેની વ્યક્તિની બેફામ ગાળો ભાંડી જ્યારે દરિયાપુરમાં પૈસા વ્યાજે આપવાના વિવાદ અંગે વાત કરીએ તો વ્હોટ્સએપના સ્ક્રીનશોટ સાથે જ અન્ય એક ઓડિયો-ક્લિપ પણ વાઈરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો-ક્લિપ મુજબ શહેર કોંગ્રેસ-પ્રમુખ ઝીલ શાહ પર વ્યાજે પૈસા આપતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાઇરલ ઓડિયોમાં ઝીલ શાહ બેફામ રીતે સામેવાળી વ્યક્તિ સાથે ગાળા ગાળી કરી રહ્યાં છે. એક વ્યક્તિ દ્વારા પૈસા લેવામાં આવ્યા છે, પરંતુ તેણે પૈસા પરત ન આપતાં બીજી વ્યક્તિએ તેને ફોન પર ધમકાવ્યો હતો. એને લઈને તેને ફોન કરતાં વ્યાજે પૈસા લેનારે કહ્યું કે મારી સાથે ખૂબ ગાળાગાળી કરી હતી. તેઓ દ્વારા દરિયાપુર વોર્ડનાં કોંગ્રેસનાં કોર્પોરેટર માધુરીબેન કલાપીના પતિ ધ્રુવ કલાપી વિશે પણ બોલ્યાં હતાં.ઓડિયોમાં કોંગ્રેસના કોર્પોરેટરના પતિનું નામ પણ સામેલ વ્યાજે પૈસા આપનાર અને લેનાર વચ્ચે ગાળાગાળી થઈ હતી, જે અંગે વ્યાજે લેનાર યુવક કોંગ્રેસના કોર્પોરેટર માધુરી કલાપીના પતિ ધ્રુવ કલાપી પાસે ગયા હતા, જે બાબતની જાણ વ્યાજે આપનારને થઈ હતી. ત્યાર બાદ ફોન પર વાતચીત દરમિયાન ઝીલ શાહ દ્વારા પૈસા લેનાર સાથે બોલાચાલી કરી હતી અને પૈસા લીધા પછી પાછા નહીં આપવાના એવું કલાપીએ શિખવાડ્યું છે અને એની મને ધમકી આપે છે એમ કહીને બેફામ રીતે ગાળો બોલી હતી. મહિલા તરીકે અને શહેરના હોદ્દેદાર તરીકે જો મહિલા પ્રમુખ આ રીતે વર્તન કરતાં હોય તો શહેરમાં મહિલાઓનું સંગઠન કેવી રીતે બની શકશે.
કોર્પોરેશનની ટિકિટ ન મળે એ માટે આંતરિક ઝઘડો ઊભો કરાયોઃ ઝીલ શાહ આ બાબતે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઝીલ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કોંગ્રેસના આંતરિક ઝઘડાઓને કારણે ઊભો કરવામાં આવેલો વિવાદ છે. આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવે છે, જેથી કોર્પોરેશનની ટિકિટ ન મળે એ માટે કોંગ્રેસના જ કેટલાક લોકો આ બધી બાબતમાં સામેલ છે.
સાગર ડબગર નામનો જે અમારો કાર્યકર્તા છે તે વર્ષોથી મારી સાથે હતો અને છેલ્લા કેટલાક સમયથી અમારો ફોન નહોતો ઉપાડતો અને વાતચીત નહોતો કરતો, એ બાબતે તેને મેં કહ્યું હતું કે અમારામાં કોમેન્ટ કરતો નથી અને એ બાબતે મેં તેને ખાલી કહ્યું હતું. મેં કાંઈ તેને ધમકાવ્યો નથી. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં અમે તેને સમજાવવા માટે ગયાં હતાં, પરંતુ ત્યાં સામસામે બોલાચાલી થઈ હતી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી, એમાં હું છોડાવવા માટે ગઈ હતી. વર્ષોથી અમારી સાથે કામ કરતો કાર્યકર્તા છે, જેથી તેને સમજાવવા ગયાં હતાં. જે ઓડિયો- ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે એ મારી છે કે નહીં એની મને શંકા છે. આ બાબતે હું હજી સ્પષ્ટ કહી શકું એમ નથી. આ ઓડિયો-ક્લિપ ક્યારની છે એની પણ મને ખબર નથી.