સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ બનાવી AI બાઈક 'ગરુડા':ટેસ્લા જેવી ટેક્નોલોજી
સુરત શહેરે માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ હવે ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. શહેરની ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ યુવા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ 'ગરૂડા' નામનું AI સંચાલિત બાઇક બનાવ્યું છે.
શિવમ મૌર્ય, ગુરુપ્રીત અરોરા અને ગણેશ પાટીલ નામના આ વિદ્યાર્થીઓએ 50% પાર્ટ્સ સ્ક્રેપમાંથી અને બાકીના 50 ટકા પાર્ટ્સ જાતે બનાવ્યા છે. જ્યારે બાઈક બનાવવાનો ખર્ચ 1.80 લાખ થયો છે.
ત્રણ વિદ્યાર્થીઓએ બનાવી AI સંચાલિત ફ્યુચરીસ્ટીક બાઈકઆજના ટેક્નોલોજીના યુગમાં ટેસ્લા જેવી કંપનીઓએ ઓટોનોમસ વ્હીકલ્સનો પાયો નાખ્યો છે. આ જ વિચારને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓએ 'ગરુડા'નું નિર્માણ કર્યું છે. હાલ ભલે આ બાઇક રાઇડરની હાજરીમાં ચાલી રહી હોય, પરંતુ ભવિષ્યમાં તેને સંપૂર્ણ ડ્રાઇવરલેસ બનાવવાની યોજના છે. આ બાઇક વાઇફાઇ અને સેલ્ફ-ડ્રિવન સિસ્ટમ પર કામ કરશે. જેનાથી રાઇડરની જરૂરિયાત રહેશે નહીં. આ એક કમાન્ડ આધારિત સિસ્ટમ છે, જે રાઇડર દ્વારા આપવામાં આવેલા કમાન્ડ અનુસાર કાર્ય કરે છે. આ બાઇકનું મગજ 'રાસબેરીપાય' તરીકે ઓળખાય છે, જે એક નાનું કોમ્પ્યુટર છે. આ સિસ્ટમ કમાન્ડ પછી પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે.
'3 ફૂટ દૂર રોકાઈ જા' કમાન્ડ આપો એટલે બાઈક રોકાઈ જશે
આ બાઇકમાં સેફ્ટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ બે અત્યાધુનિક સેન્સર લગાવ્યા છે. આ સેન્સરની મદદથી બાઇક જ રસ્તા પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. જો તેની 12 ફૂટની રેન્જમાં કોઈ અન્ય વાહન આવે તો બાઇક આપોઆપ તેની ગતિ ધીમી કરી દે છે. આ ઉપરાંત, જો કોઈ વાહન 3 ફૂટના અંતરે હોય, તો બાઇક સંપૂર્ણ બંધ થઈ જાય છે. રાઇડર માત્ર કમાન્ડ આપે કે, '3 ફૂટ દૂર રોકાઈ જા', અને બાઇક બ્રેક વગર જ સ્થિર થઈ જાય છે. આ ફીચર અકસ્માત જેવી દુર્ઘટનાઓને ટાળવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.
વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ
'ગરુડા' માત્ર સ્માર્ટ જ નહીં, પરંતુ ફીચર્સથી ભરપૂર છે. આ બાઇક સંપૂર્ણપણે ટચસ્ક્રીન ડિસ્પ્લે પર આધારિત છે. આ ડિસ્પ્લે પર જીપીએસ, ફોન કોલિંગ અને મ્યુઝિક જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. રાઇડર માટે પાછળ અને આગળના વાહનોને જોવા માટે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.
આ બાઇક ઇકો મોડ પર 220 કિલોમીટર અને સ્પોર્ટ મોડ પર 160 કિલોમીટરની રેન્જ આપે છે. સૌથી મોટી વાત તો એ છે કે આ બાઇકની લિથિયમ બેટરી માત્ર બે કલાકમાં જ સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે, જે સામાન્ય બાઇક કરતાં ઘણી ઝડપી છે.
બાઇક વાઇફાઇ અને સેલ્ફ-ડ્રિવન સિસ્ટમ પર કામ કરશેબાઇક બનાવનારા ત્રણ વિદ્યાર્થીમાંના એક એવા શિવમ મૌર્યએ જણાવ્યું હતું કે, બાઈક બનાવતા અમને એક વર્ષ લાગ્યું. અમારી ટીમમાં ત્રણ વિદ્યાર્થી છે. બાઈકમાં આગળ અને પાછળ કેમેરા છે. જેથી ડિસ્પ્લેમાં આગળ-પાછળના વાહન જોઈ શકાશે. જીપીએસ , બ્લૂટૂથ કુલિંગ, મ્યુઝિક લિસ્નિંગ રાઇડર ડિસ્પ્લે પર કંટ્રોલ કરી શકે છે. બાઈક આગળ અને પાછળ સેન્સર હોવાથી બાઇક ઓટોમેટિક રોકાઈ જશે. રાઇડર જે ડિસ્ટન્સનો કમાન્ડ આપશે તે અંતર કાપ્યા બાદ પર આપોઆપ બાઈક રોકાઈ જશે, દાખલા તરીકે જો આગળ વાહન હોય તે બાઇકથી ત્રણ ફૂટ દૂર છે અને કમાન્ડ આપવામાં આવે કે બાઇક રોકાઈ જા તો બ્રેક મારવાની જરૂર પણ પડશે નહીં જેના કારણે અકસ્માત ની ઘટના ટાળી શકાય છે'
બાઇકનું મગજ 'રાસબેરીપાય' તરીકે ઓળખાય
તેમણે વધુમાં જણાવ્યું હતું, 'રાસબેરીપાય'' વાપરવામાં આવ્યા છે જે એક પોતાનું બ્રેન છે, કમાન્ડ મળ્યા બાદ પોતાના મગજ પ્રમાણે કામ કરવા લાગે છે. ભવિષ્યમાં આ બાઈકને ડ્રાઇવરલેસ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જે રિમોટ અને વાઇફાઇથી ચાલશે બાઈક ઉપર રાઇડરની જરૂર પડશે નહીં.'
વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ
આ બાઇક 'વેસ્ટમાંથી બેસ્ટ'નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓની મહેનત અને કલ્પનાશક્તિએ જૂના સાધનોમાંથી એક આધુનિક અને ભવિષ્યલક્ષી વાહન બનાવ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રના નિષ્ણાતો પણ આ બાઇકના વખાણ કરી રહ્યા છે. વિનોદ દેસાઈ જેવા નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ભવિષ્યમાં ડ્રાઇવરલેસ બાઇક શક્ય છે અને 'ગરુડા' આ દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓએ એક વર્ષની મહેનત બાદ આ અદ્ભુત બાઇક તૈયાર કરી છે. તેમની આ સિદ્ધિ સુરત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. 'ગરુડા' માત્ર એક બાઇક નથી, પરંતુ ભારતના યુવાનોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ટેક્નોલોજી પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.