કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે સ્થાનિક ઉમેદવારોનો નિર્ણય:અડધા વેતને માનદ સેવા આપવા તૈયાર
કચ્છ જિલ્લામાં હજારોની સંખ્યામાં શિક્ષકોની ઘટ છે. આ કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આ સમસ્યાના સમાધાન માટે કચ્છના સ્થાનિક ઉમેદવારો આગળ આવ્યા છે. સ્થાનિક ઉમેદવારોએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને અડધા વેતને માનદ સેવા આપવાની તૈયારી બતાવી છે. આ ઉમેદવારોમાં પી.ટી.સી. અને બી.એડ. તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાક અગાઉ પ્રવાસી શિક્ષક અને કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
જાડેજા સંતોકબા, અબડા અનિલાબા અને ભાવનાબેન મહેશ્વરીએ જણાવ્યું કે તેઓ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકને આપવામાં આવતા વેતનથી અડધા માનદ વેતન દરે સેવા આપવા ઇચ્છે છે. કચ્છ જિલ્લામાં ખાસ ભરતી પછી પણ હજારોની સંખ્યામાં શિક્ષકની જગ્યા ખાલી રહેવાની સંભાવના છે. આ સ્થિતિમાં સાક્ષર ઉમેદવારોએ કચ્છ પરત્વેનું ઋણ અદા કરવા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ પહેલ કરી છે.