જૂનાગઢમાં શિકારની શોધમાં દિવસે સિંહ રોડ પર આવ્યો:રિક્ષા સામે આવી ઊભો રહેતાં બધાના શ્વાસ થંભ્યા
જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલોમાં વસવાટ કરતા અભયરાજ સિંહનો આશ્ચર્યજનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ગિરનારના જંગલમાંથી એક ડાલામથ્થો સિંહ સીધો બિલખા રોડ તરફ આવી ચડ્યો હતો. શિકારની શોધમાં જંગલની બોર્ડર પાર કરી આ સાવજ રોડ ક્રોસ કરવા માગતો હોય તેમ રોડ નજીક આવી પહોંચ્યો હતો. જેના કારણે રસ્તા પરથી પસાર થનારા વાહનચાલકો થોભી ગયા અને સાવજનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
ડાલામથા નજર સામે આવતાં લોકોમાં ભય
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક રીક્ષાની સામે સીધો ડાલામથ્થો આવી ઉભો રહ્યો અને નજરો મળતાં જ રિક્ષાચાલકના રૂંવાડા ઉભા થઇ ગયા હોય તેમ લાગતું હતું. લોકોમાં થોડી હચકચાહટ દેખાઈ હતી, પરંતુ સાવજ કોઈ પ્રકારની હિંસાત્મક હલચલ વગર રસ્તા પર શાંત સ્થિતીમાં હતો.
વન વિભાગે સાવજને પરત જંગલ તરફ વાળ્યો હતો
આ સમાચાર વનવિભાગ સુધી પહોંચ્યા, તેમજ તેમનો સ્ટાફ ઘટનાસ્થળે તાકીદે દોડી આવ્યો અને ધીરજપૂર્વક આ સાવજને પરત જંગલ તરફ વાળ્યો હતો.
ડાલામથાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
ઉલ્લેખનીય છે કે, ગિરનાર જંગલમાં હાલમાં 54થી વધુ સિંહો વસવાટ કરે છે. અવારનવાર શિકારની શોધમાં આવા સિંહો રસ્તા કે વસતિ વિસ્તાર તરફ આવી જતા હોય છે, પરંતુ આમ છતાં આવા દૃશ્યો ખૂબ જ દુર્લભ હોય છે. જોતા જોતા જ બનાવનો વીડિયો વાઇરલ થઈ ગયો છે. લોકોએ પણ ડાલામથાને જોઈ ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ માટે ફરીથી અપીલ કરવામાં આવી છે કે આવા પ્રસંગે શાંતિ જાળવી, અવાજ ન કરતા, સાથોસાથ કોઈ પ્રકારની કનડગત ભર્યું કાર્યો ન કરવા લોકોને અપીલ કરાઈ છે.