માઇગ્રેનથી હવે તુરંત છુટકારો:બે દવાના કોમ્બિનેશનથી ડોઝ તૈયાર કરી 500 દર્દી પર ટેસ્ટ કરાયો
માથામાં સણકા અને અસહ્ય દુખાવાની પીડા ઊભી કરતી માઇગ્રેનની બીમારીમાં હવે દર્દીને ઝડપથી રાહત મળી શકે છે. શહેરની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા માઇગ્રેનના દર્દીનો સોજો અને દુખાવો દૂર કરી રાહત આપતી બે ફાર્માકોલોજિકલ એજન્ટ સાથેની દવાનું સંશોધન કરાયુંં છે.
માઇગ્રેનની બીમારી મોટે ભાગે શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં અને તેમાં પણ ખાસ કરીને પુરુષો કરતાં મહિલામાં સૌથી વધુ જોવા મળે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદીએ જણાવ્યું કે, તાજેતરમાં કંપની દ્વારા માઇગ્રેનના દર્દી માટે સોજો અને દુખાવો દૂર કરી રાહત આપતી બે ફાર્માકોલોજિકલ એજન્ટ સાથેની ‘વાસોગ્રેન પ્લસ’ દવાનું સંશોધન કરીને બજારમાં લોન્ચ કરવામાં આવી છે તેમ જ આ દવાનું માઇગ્રેનની મધ્યમથી લઈને ગંભીર તકલીફ ધરાવતાં 500 જેટલા દર્દી પર અભ્યાસ કરાયો છે.
એક વર્ષ સુધી કરાયેલાં આ અભ્યાસમાં આ દવા સલામત, અસરકારક અને સારી રીતે સહન કરી શકાય તેવી હોવાનું સાબિત થયું હતું. મોટા ભાગના માઇગ્રેન હુમલાઓને એક જ ડોઝથી અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવ્યા હતા અને સારવારમાં આડઅસર ખૂબ જ ઓછી જોવા મળી હતી. દવાના બીજા ડોઝના ઉપયોગથી આડઅસરોમાં કોઈ વધારો જોવા મળ્યો નહોતો તેમ જ દવા લીધા બાદ દર્દીને ઝડપી રાહતની સાથે માઇગ્રેનના હુમલા પર સતત નિયંત્રણ પણ મળતું હોવાથી દર્દીને વધારાની દવા લેવાની ઓછી જરૂર પડે છે.
સોજો અને પીડાની સંવેદનશીલતાને ઘટાડીને અસર ઓછી કરશે
માઇગ્રેન માટે બનાવેલી ‘’વાસોગ્રેન પ્લસ’’માં સેરોટોનિન રીસેપ્ટર એગોનિસ્ટ અને નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી એજન્ટના ફાયદાઓને જોડીને બનાવી હોવાથી ડ્યુઅલ-એક્શન રીલીફ આપે છે. આ દવા લેવાથી માઇગ્રેનને લીધે ફૂલી ગયેલી માથાની રક્તવાહિનીઓને સંકોચાવા મદદ કરતી હોવાથી ટ્રાઇજેમિનલ નર્વ દ્વારા ઉભી થતી પીડાના સંકેતોને અટકાવે છે. તેમજ ઘણીવાર માઇગ્રેનના લક્ષણોને લંબાવતી હોય તેવી સોજા અને પીડાની સંવેદનશીલતાને ઘટાડીને ન્યુરોલોજિકલ અસર પણ મહદઅંશે ઓછી કરે છે.