Loading...

ડરામણી ઢીંગલી Labubuનો ગુજરાતીઓમાં ક્રેઝ:1 લાખ રૂપિયા ખર્ચવા પણ તૈયાર

આજકાલ દેશ-દુનિયામાં લાબુબુ ડોલ ધૂમ મચાવી રહી છે. દેખાવમાં વિચિત્ર અને ડરામણી લાગતી લાબુબુ ડોલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. ત્યારે હવે આ ડરામણી ઢીંગલી લાબુબુને લઇને ગુજરાતીઓમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રેઝ એવો કે લોકો ગોલ્ડ જ્વેલરીથી લઇને કી-ચેન, સ્ટેશનરી, સોફ્ટ ટોયઝ અને કેક પણ લાબુબુ થીમ પર બનાવી રહ્યા છે. આકર્ષણ એવું છે કે લોકો 1 લાખથી વધુ ખર્ચીને પણ લાબુબુ ગોલ્ડ પેન્ડન્ટ બનાવી રહ્યા છે તો અમદાવાદના એક વેપારીએ તો 10 હજારથી વધુ મોન્સ્ટર ડોલ વેચી નાખી છે.

મોટી આંખો, શૈતાની દાંત અને સ્માઇલ કરાવશે રોમાંચક અનુભવ 

લાબુબુ ડોલ, જે મોટી આંખો, શૈતાની દાંત અને સ્માઇલ સાથે થોડી વિચિત્ર લાગે છે, તે જ તેનો યુનિક સેલિંગ પોઈન્ટ છે. આ ડોલ ખાસ કરીને 'બ્લાઈન્ડ બોક્સ' માં વેચાય છે, જે કલેક્ટર્સ માટે એક રોમાંચક અનુભવ બની રહે છે. સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયાના કારણે તેની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. લોકો તેનો કી-ચેન, બેગ પર અને શોપીસ તરીકે પણ ઉપયોગ કરે છે.

અમદાવાદમાં ગોલ્ડ જ્વેલરીમાં લાબુબુ ટ્રેન્ડ 

આ અંગે અમદાવાદના એક જ્વેલરી શોપના મેનેજર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢથી બે મહિનાથી અમે લાબુબુ થીમની જ્વેલરી બનાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 4-5 પીસ વેચ્યા છે અને 100થી વધુ ઈન્કવાયરી આવી છે. ખાસ કરીને રક્ષાબંધન માટે આ એક બેસ્ટ ગિફ્ટ ઓપ્શન તરીકે લોન્ચ કર્યું છે. આ પેન્ડન્ટનું વજન લગભગ 11થી 11.50 ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત 1 લાખ 5 હજારથી 1 લાખ 10 હજાર રૂપિયા છે. આ ટ્રેન્ડ પહેલાં કાર્ટૂન અને પર્સમાં હતો અને હવે ગોલ્ડ જ્વેલરીમાં પણ ખૂબ ચાલી રહ્યો છે. આ નવું કેરેક્ટર હોવાથી લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. અત્યારે પિંક, બેબી પિંક અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે અને કસ્ટમર પોતાની પસંદગીના કલરની પણ ડિમાન્ડ કરી રહ્યા છે.

સુરતમાં લાબુબુ ડોલની જવેલરી ખૂબ પ્રચલિત 

સુરતમાં એક આર્ટ જ્વેલરીના માલિકે જણાવ્યું હતું કે, લાબુબુ ડોલની જવેલરી ખૂબ પ્રચલિત થઈ છે. જેથી અમે તેને જ્વેલરીમાં કન્વર્ટ કર્યું છે. આ સ્કીલ બેઝ્ડ, કોપર બેઝ્ડ, બ્રાસ બેઝ્ડમાં બનાવી છે. ઇમિટેશન આર્ટ છે અને આર્ટિફિશિયલ જ્વેલરી છે. જે ડેઈલીવેરમાં લોકો યુઝ કરે છે. લાંબા સમય સુધી લોકો પહેરી શકે છે. હાલમાં આ લાબુબુ જ્વેલરીની ખૂબ જ ડિમાન્ડ છે. બહારના શહેર એટલે કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મેટ્રો સિટીમાં ખૂબ જ ડિમાન્ડ છે. જોકે હાલમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં એવી ડિમાન્ડ નથી. પણ ભવિષ્યમાં લાબુબુ જ્વેલરીની ડિમાન્ડ આવશે. દુનિયાભરમાં લાબુબુ પ્રચલિત થઈ છે.

લાબુબુ ડોલનું ફિલ્મ સ્ટાર, સેલિબ્રિટી પ્રમોશન કરે છે 

અમદાવાદના એક ટોય શોપ ઓનરે જણાવ્યું હતું કે, લાબુબુ ડોલ અત્યારે ટ્રેન્ડમાં છે, એનું કારણ એ છે કે, અત્યારે બધા ફિલ્મ સ્ટાર, સેલિબ્રિટી બધા લોકો એનું પ્રમોશન કરે છે, પોતે ખરીદે છે અને સોશિયલ મીડિયા પર પણ મૂકે છે. આ કારણે અત્યારે તેની ડિમાન્ડ વધારે છે. લાબુબુ અત્યારે બધી જ ઉંમરના લોકો ખરીદી રહ્યા છે. પરંતુ મોટા લોકો અને સ્પેશિયલ ગર્લ્સ અને લેડીઝમાં ટ્રેન્ડ વધારે છે.

3 મહિનામાં 10 હજારથી વધુ પીસ વેચ્યા 

વધુમાં તેમણે જણાવ્યું કે લોકોમાં આ ડોલ વિશે નેગેટિવિટી ફેલાયેલી છે આને મોન્સ્ટર ડોલ પણ કહેવાય છે. ઇન્ડિયામાં કોઈ પણ વસ્તુ ટ્રેન્ડમાં આવે એટલે નેગેટિવ વર્ડ્સ પણ આવે છે. બધા એવું કહેતા હોય છે, પરંતુ એવું હોતું નથી. આ એક પ્રકારનું રમકડું છે. છેલ્લા 3 મહિનાથી અમે વેચાણ કરીએ છીએ અને લગભગ અમે 10 હજારથી વધુ પીસ વેચ્યા છે.

લાબુબુ ડોલની કિંમત 550 રૂપિયા અને મૂવેબલ ડોલની 670 રૂપિયા 

અમદાવાદની વધુ એક રમકડાંની દુકાનના માલિક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અમારી પાસે લાબુબુ ડોલ બે વેરિઅન્ટમાં છે. એક સફેદ બોક્સમાં પેક અને બીજી મૂવેબલ ડોલ. આ ઉપરાંત લાબુબુનું કીચેન પણ ઉપલબ્ધ છે. લોકોમાં તેનો ઘણો ટ્રેન્ડ જોવા મળે છે, પરંતુ કિંમત સાંભળીને ખરીદી ઓછી થાય છે. એક ડોલની કિંમત 550 રૂપિયા અને મૂવેબલ ડોલની કિંમત 670 રૂપિયા છે.

સુરતના આર્ટીસ્ટે 1500 ગુલાબના ફૂલોમાંથી 6 ફૂટની લાબુબુ ડોલ બનાવી 

વાઇરલ લાબુબુ ડોલને ફિલ્મ સ્ટાર્સ અને યુવાનો પોતાની સાથે રાખી રહ્યા છે. ત્યારે સુરતની શિવાંગી અગ્રવાલે ગુલાબના ફૂલોમાંથી ભારતની પહેલી 6 ફૂટ ઊંચી લાબુબુ ડોલ બનાવી છે. કંઈક અલગ કરવાની ઇચ્છા સાથે તેણે સૌથી મોટી વાઇરલ ડોલ બનાવી છે. શિવાંગી અગ્રવાલે જણાવ્યું હતું કે, 6 લોકોની મદદથી આ ડોલ બનાવવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો. 6 ફૂટની ડોલમાં 1500થી વધુ ગુલાબનો ઉપયોગ કરાયો હતો. શિવાંગી અગ્રવાલ છેલ્લા 4 વર્ષથી ફૂલોમાંથી વિવિધ પ્રકારના ગુલદસ્તા અને ફૂલની ટોપલીઓ બનાવી રહી છે.

સુરતના આર્ટિસ્ટે 850 ગ્રામની લાબુબુ કેક બનાવી 

સુરતના જ એક કેક આર્ટિસ્ટ તન્વી માથુર શર્મા દ્વારા 7.5 ઇંચ બાય 4 ઈંચની લાબુબુ કેક બનાવવામાં આવી હતી. તન્વીએ જણાવ્યું હતું કે સુરતના લોકો માટે કંઈક ને કંઈક ક્રિએટિવ અને નવું પહોંચાડવા માટે કઈ અલગ જ કરતી રહું છું. લાબુબુનો ટ્રે્ન્ડ વિશ્વભરમાં હોવાથી સુરત પણ પાછળ કેમ રહે તે વિચાર સાથે 850 ગ્રામની કેક બનાવી હતી. જેનો ખર્ચ 3000 રૂપિયા થયો છે. આ કેક બનાવતા એક દિવસનો સમય લાગ્યો હતો.

રાજકોટમાં લાબુબુ ચાઇલ્ડ બેલ્ટ, પિલોએ ધૂમ મચાવી 

રાજકોટમાં એક ગિફ્ટ શોપના વેપારીએ જણાવ્યું કે, માર્કેટમાં હાલ લાબુબુ ચાઇલ્ડ બેલ્ટ આવેલો છે જે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે આ સાથે જ અલગ અલગ પ્રકારના પીલો ઉપલબ્ધ છે. જે રાત્રે બાળકો પોતાની સાથે રાખીને સુવુ પસંદ કરે છે. આ ઉપરાંત લંચ બોક્સ અને કંપાસ બોક્સ તેમજ હોટ એન્ડ કોલ્ડ વોટર બોટલ ધૂમ મચાવી રહી છે. એક કિચન પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે જેમાં લાબુબુનું પૂરું મ્યુઝિક વાગે છે. આ ઉપરાંત ઢીંગલી, ટેડીબેર અને એસેસરીઝમાં અલગ અલગ પ્રકારની વેરાઈટી છે. પહેલા અમે શરૂઆતમાં સોફ્ટ ટોયઝ 1800 રૂપિયામાં વહેંચતા હતા. હાલમાં 550થી 600 સુધીમાં વહેંચીએ છીએ. હાલમાં છોકરીઓમાં ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અત્યારે ટ્રેડિંગમાં હોવાથી પર્સ પર લગાઈને ફરે છે.