વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, પાટીદારો આકરા પાણીએ:રાતોરાત બેઠક બોલાવી, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં 7, ઓગસ્ટને ગુરુવારે સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ ખેડૂત અરજણભાઈ દિયોરા પર ત્રણ લુખ્ખા તત્વો રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારીએ પાવડા જેવા હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચતા તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હુમલો કરનાર ત્રણેય વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
આ હુમલાના પડઘા સુરતમાં પડ્યા છે. પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મિટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં 2000થી વધુ પાટીદારોએ હાજરી આપી હતી. ત્યાર બાદ પાટીદાર સમાજના લોકો 100થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામ જવા માટે રવાના થયો હતો. જ્યાં આજે(8 ઓગસ્ટ, 2025) સાંજે 5 વાગ્યે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરસભામાં આસપાસના ગામો તથા સુરતના પાટીદારો હાજર રહેશે.
ત્રણ અસામાજીક તત્ત્વોએ વૃદ્ધ પર પાવડાથી હુમલો કર્યો હતોકાળાતળાવ ગામમાં પાટીદાર અરજણભાઇ રામજીભાઈ દિયોરા નામના ખેડૂત પર ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા માટેની ઘટના અંગે અસામાજિક ત્રણ વ્યક્તિઓ રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારીએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ખેડૂત પર બેફામ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર 2000થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે સાંજે 5 વાગ્યે પાટીદારોની જાહેરસભા યોજાશે
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ગામડામાં અસામાજિક તત્વોનો દિવસેને દિવસે ભય વધતો જાય છે. આ ભય અટકાવવા માટે સમાજે એક થવાની જરૂર છે, આવા અસામાજિક તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી કરવા પાટીદાર સમાજે આહવાન કર્યું હતું અને રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ સુરતથી 100 જેટલી કારનો કાફલો કાળાતળાવ ગામે જવા રવાનો થયો હતો. જ્યાં આજે શુક્રવારે સાંજે 5 વાગ્યે પાટીદાર જાહેરસભામાં સહભાગી બનશે.
કારનો કાફલો કાળાતળાવ ગામે જવા રવાના
પાટીદાર સેવા સંઘની સંકલન મિટિંગમાં સમાજ અગ્રણી વિજયભાઈ માંગુકિયા, અભિનભાઇ કળથીયા અલ્પેશભાઈ કળથિયા, અશોકભાઈ અધેવાડ સહિતના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રાત્રે જ પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો સાથે અગ્રણીઓએ કારમાં રવાના થવાનું શરૂ થયું હતું. આજે સવારે કારનો છેલ્લો કાફલો ભાવનગરના કાળાતળાવ ગામે જવા માટે રવાના થયો હતો.
શું બની હતી ઘટના?
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત અરજણભાઈ પર ત્રણ લુખ્ખા તત્વોએ પાવડા જેવા હથિયારથી હુમલો કર્યો હતો. અરજણભાઈ કેટલીક મજૂર બહેનો સાથે માટી ભરી રહ્યા હતા. તે સમય દરમિયાન ત્રણ લુખ્ખા તત્વો ત્યાં આવીને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને તેમની પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર ત્રણેયના નામ રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારી છે. આ લુખ્ખા તત્વોએ મજૂર બહેનોની હાજરીમાં અને વૃદ્ધની ઉંમરની પણ શરમ રાખ્યા વિના બેફામ ગાળો બોલીને પાવડાથી હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વૃદ્ધ અરજણભાઈ પર થયેલા આ હુમલાથી ગામલોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વીડિયોને આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
