Loading...

એ કાળો દિવસ આજે પણ અમદાવાદ ભૂલ્યું નથી,પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે(12 ઓગસ્ટ) બે મહિનાનો સમય વીતી ગયો

12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે(12 ઓગસ્ટ) બે મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ લોકોના મનમાં એ દિવસનો ડર અને દુઃખ આજે પણ તાજા છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તેનો ભય હજુ પણ લોકોના હૃદયમાં ઘર કરી ગયો છે. એ કાળો દિવસ આજે પણ અમદાવાદ ભૂલ્યું નથી. આજે જ્યારે લોકો પ્લેન ક્રેશ સાઈટ પરથી પસાર થાય છે ત્યારે અચૂક સેલ્ફી અને ફોટા ખેંચે છે. તો નજરે જોનારને તો આજે પણ એ આગના ગોટેગોટા અને રસ્તા પર પડેલી લાશો નજર સમક્ષ આવી જાય છે.

ઘટનાસ્થળે આજે પણ લોકોની અવરજવર અને ભાવુકતા પ્લેન ક્રેશ સાઇટ પર હવે સફાઈ કરી દેવામાં આવી છે અને લગભગ દસ-બાર દિવસ પહેલાં જ સામાન્ય લોકો માટે રસ્તો ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. જોકે, ઘટનાસ્થળ પર પ્રવેશવાની પરવાનગી હજુ પણ નથી. આમ છતાં, અહીંથી પસાર થતા લોકો એ ગોઝારા દિવસને યાદ કરીને ભારે દુઃખ અનુભવી રહ્યા છે. આ ઘટનાને યાદગાર બનાવવાનો પ્રયાસ કરતા હોય તેમ.ઘણા લોકો એ સ્થળના ફોટા અને વીડિયો લે છે, તો કેટલાક સેલ્ફી પણ પાડી રહ્યા છે.

"એ દ્રશ્ય ભૂલી શકાતું નથી" આ દુર્ઘટનાના સાક્ષી બનેલા મેઘાણીનગરના સ્થાનિક નિવાસી હિમાની ઠાકુરે જણાવ્યું કે, "અમે અહીંયા જ રહીએ છીએ અને એ દિવસે પણ અમે અહીં જ હતા. અત્યારે તો બહુ બધી સાફ-સફાઈ થઈ ગઈ છે, પણ જે લોકોએ આ હોસ્ટેલને સામાન્ય હાલતમાં જોઈ હતી, તેમના માટે આજે આ સૂમસામ જગ્યા જોવી ખૂબ જ પીડાદાયક છે. આ દુર્ઘટનાની લોકોના માનસ પર ખૂબ ખરાબ અસર થઈ છે અને જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમની પીડાની કલ્પના પણ કરી શકાતી નથી.
"અમે 118 લાશો બહાર કાઢી" બીજા એક સ્થાનિક નાગરિક શૈલેષ દાતણીયા કે જેઓ રેસ્કયૂમાં સામેલ થયા હતા, તેમણે પણ પોતાના અનુભવો વર્ણવ્યા. શૈલેષ દાતણીયાએ જણાવ્યું કે, "જ્યારે 12 જૂને બપોરે 1:38 વાગ્યે આ બનાવ બન્યો, ત્યારે અમે નજીકમાં જ ચા પી રહ્યા હતા.

શૈલેષ દાતણીયાએ આગળ જણાવ્યું કે તેમણે અને અન્ય સ્થાનિક લોકો, તેમજ શાહીબાગ અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સાથે મળીને રેસ્કયૂ શરૂ કર્યું હતું. આજે પણ જ્યારે તેઓ આ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે તેમને એ ગોઝારો દિવસ, બપોરના 1:38નો સમય અને રસ્તા પર પડેલી લાશો યાદ આવી જાય છે.


‘આ બ્લેક ડેની યાદો લોકોના મનમાંથી ભૂંસાઈ નથી’ અમદાવાદમાં બનેલી આ દુર્ઘટના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે નોંધાઈ ગઈ છે અને તેની યાદો લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. લોકો આજે પણ એ પીડાદાયક ઘટનાને યાદ કરીને ભાવુક થઈ જાય છે.



Image Gallery