5 મહિના પહેલાં ચારેય શિક્ષકો મોડાસા આવ્યા'તા:વિચિત્ર અક્સ્માતે સૌને આશ્ચર્યમાં મૂક્યા; શિક્ષકોએ દુનિયા છોડી
શામળાજી-મોડાસા હાઈવે પર માઝુમ નદીના બ્રિજ પર રક્ષાબંધનની રાત્રે મોટો અકસ્માત થયો. અકસ્માત એવો વિચિત્ર રીતે થયો કે ફુલ સ્પીડમાં અમદાવાદ પાસિંગની ટાટા ટિયાગો કાર નીકળી. બ્રિજની વચ્ચોવચ ગેપ હતો એમાંથી કાર નીચે પડી. અંદરના બે પિલર સાથે ભટકાતાં ભટકાતાં ઊંધી પડી. આ બધું સેકન્ડોમાં બની ગયું. અંધારું હતું. હાઈવે પર વાહનોની અવરજવર હતી. મજૂરો રસ્તો ક્રોસ કરીને દોડીને માઝુમ બ્રિજની નીચે ગયા. બે વ્યક્તિ આગળ, બે વ્યક્તિ પાછળ લોહીલુહાણ હાલતમાં હતી.
કાર ઊંધી પડી હતી એટલે ચારેયના માથામાંથી ખૂબ લોહી વહેતું હતું. ચારમાંથી એક વ્યક્તિનો શ્વાસ થોડો થોડો ચાલતો હતો. તાત્કાલિક કોઈએ ફોન કર્યો ને પોલીસ, એમ્બ્યુલન્સ આવી ગઈ. હોસ્પિટલે પહોંચ્યા પછી ડોક્ટરે કહ્યું કે ત્રણ તો બચ્યા નથી. એક બહુ ક્રિટિકલ છે. આ વાતચીત ચાલતી હતી ત્યાં ચોથી વ્યક્તિએ પણ દમ તોડ્યો. આ ચારેય કોણ છે, એની તપાસમાં પોલીસ લાગી ગઈ. ખિસ્સામાં, કારમાં તપાસ કરી તો ખબર પડી કે આ ચારેય તો મોડાસાના શિક્ષકો હતા. બ્રિજની નીચે ગાડીનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. ગાડી એવી જગ્યાએ પડી છે કે બ્રિજની નીચે ઊતરીને જવાનો રસ્તો પણ નથી.સ્થાનિક મજૂરો બ્રિજની નીચે જવાના રસ્તેથી પરિચિત હતા. ગાડી જાણે હવે ગાડી રહી જ નથી, જાણે કે કોઈ ભંગાર પડ્યો હોય એવી હાલત ગાડીની હતી.
આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે એ ગાડીનો એક પાર્ટ પણ સાજો નહોતો. સ્ટીયરિંગ પણ તૂટી ગયું હતું, કાચના ફુરચેફુરચા બોલી ગયા હતા, મિરર લાઈટ ઊલળીને દૂર દૂર પડી હતી. કારમાં બેઠેલી વ્યક્તિના લોહીવાળા ચંપલ પણ દૂર પડ્યા હતા. સીટ ઉપર હજુ પણ લોહીના ડાઘા સુકાયા નહોતા.સ્થાનિક વ્યક્તિ રિતેશભાઈએ અમને જણાવ્યું કે આ ગાડી જ્યારે નીચે ખાબકી ત્યારે એ ઊંધી પડી હતી, અહીં બાજુમાં જ એક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે, તો સૌથી પહેલા ત્યાંથી આઠ નવ મજૂરો દોડીને આવ્યા અને બધાએ ભેગા થઈને ગાડીને સીધી કરી. ગાડીના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો, પણ દરવાજા ન ખૂલતાં બાજુમાં પડેલા પથ્થરથી દરવાજા તોડીને આ ચાર જણાને બહાર કાઢ્યા. એમાંથી ત્રણ વ્યક્તિના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયાં હતાં.જ્યારે બહાર કાઢી બોડી ત્યારે જોવા જેવી હાલત નહોતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ આવી ગઈ અને એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી તો આ બધા જ બચાવ કામગીરીમાં લાગી ગયા. રિતેશભાઈ કહે છે, ગાડી જો સીધી પડી હોત તો કદાચ કોઈ બચી શક્યું હોત.
આ ચાર શિક્ષકો વિજ્ઞાન વિભાગના તજજ્ઞ હતા. તેઓ જે સ્કૂલમાં ભણાવતા હતા ત્યાંના તેમના સાથી શિક્ષક મિત્રોએ જણાવ્યું હતું તેઓ મોડાસાની બી-કનાઇ સ્કૂલમાં NEET અને JEEનો અભ્યાસક્રમ ભણાવતા હતા. સ્કૂલના અન્ય શિક્ષક પણ કહે છે કે જેમ વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે અંતર હોતું હોય છે, પણ આ ચારેયની ભણાવવાની પદ્ધતિ કંઈક અલગ હતી. તેઓ વિદ્યાર્થીઓને પોતાની સાથે રાખીને એવી રીતે પ્રેક્ટિસ કરાવતા હતા કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અંતર ના રહે અને વિદ્યાર્થીઓને તેમની જ ભાષામાં ખૂબ સરળ રીતે ભણાવતા હતા, જેથી વિદ્યાર્થીઓનું પરિણામ સુધરે અને પરીક્ષાનો ભય દૂર થાય.
ચાર પૈકીના બે શિક્ષક મોડાસાની પાવન સિટીમાં ભાડે મકાન રાખીને રહેતા હતા. અમે ત્યાં પણ પહોંચવાનો પ્રયાસ કર્યો, સોસાયટીની બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડને આ ઘટના વિશે અમે જાણ કરી તો સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે તેઓ એક દિવસ પહેલાં જ અહીંથી તેમનાં પરિવારજનો મકાન ખાલી કરીને જતાં રહ્યાં છે. અમે સિક્યોરિટી ગાર્ડને સમજાવ્યું કે અમારે પાડોશીઓને મળીને જાણવું છે તો સિક્યોરિટી ગાર્ડે અંદર જવાની ના પાડી દીધી. ગાર્ડે કહ્યું કે અમને ચેરમેને ના પાડી છે કે કોઈની અંદર આવવા દેવાના નહીં.
ત્યાર બાદ ફરી અમે આ બ્રિજ ઉપર આવ્યા અને જોયું કે ઘટનાને બે દિવસ વીતી ગયા છે છતાં પણ લોકો ત્યાં ટોળાં વળીને ગાડીને જોવા માટે આવે છે. પોલીસે અહીં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે, કેમ કે રોડ ઉપર લોકોનાં ટોળાં વળવાથી ટ્રાફિકજામ જેવી સમસ્યા ઊભી ન થાય. જ્યારે અમે અહીં ઊભેલા લોકોને પૂછ્યું કે બે દિવસ થઈ ગયા છે છતાં બધા અહીં કેમ આવે છે? તો તેઓ કહે છે કે આવી મોટી ઘટના અમારા મોડાસામાં પહેલીવહેલી વાર ઘટી છે. આ ગાડી આ બ્રિજની નાનીએવી જગ્યામાંથી સીધી નદીમાં નીચે ખાબકી, આ કેવી રીતે બન્યું એ જ આશ્ચર્ય પમાડે એવું છે. એટલે આવો વિચિત્ર અકસ્માત જોઈને નવાઈ લાગે છે. બ્રિજ ઉપર અત્યારે પોલીસે બંદોબસ્ત ગોઠવીને રાખ્યો છે.
9 તારીખના રોજ ચારેય મૃત વ્યક્તિનું મોડાસાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. એ પછી તેમનાં પરિવારજનોને મૃતદેહો સોંપી દેવામાં આવ્યા. આ ચાર મૃત વ્યક્તિ રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના રહેવાસી હતા. તેમનાં પરિવારજનો તેમના અંતિમસંસ્કાર કરવા માટે રાત્રે જ મૃતદેહો લઈને વતન જતા રહ્યા હતા.
આ આખી ઘટનામાં પોલીસ જે સવાલો શોધી રહી છે તે એ છે કે આ ચારેય શિક્ષકો ક્યાં ગયા હતા? ક્યાંથી આવતા હતા? જે ટાટા ટિયાગો કારનો અકસ્માત થયો એ અમદાવાદ પાસિંગની છે, તો આ કાર કોની છે? પોલીસ આ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
