રાજકોટમાં મોડર્ન લાઇબ્રેરી, 24 કલાક ખુલ્લી રહેશે:બે માળનું કાચનું બિલ્ડિંગ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ લાઈબ્રેરી ટૂંક સમયમાં શરૂ થશે. ગુજરાતની આ એવી લાઈબ્રેરી હશ જે 24 કલાક ખુલ્લી રહેશે. આ લાઇબ્રેરી કંઈક એ રીતે બનાવવામાં આવી છે કે, જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઇડીકાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. આ લાઈબ્રેરી ખુલતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
ફાયર NOC મળતા જ લાઈબ્રેરી ખુલ્લી મુકાશેઃ કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો જૂની લાઈબ્રેરી આવેલી છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવી અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીનું જે ભવન છે, તેમાં હાલના નિયમો પ્રમાણે ફાયર NOC લેવાનું બાકી છે. અગાઉ જે વખતે લાઇબ્રેરીના નિર્માણ માટે પ્લાન પાસ થયો ત્યારે ફાયર એનઓસી ફરજિયાતની જોગવાઈ ન હતી. ફાયર એનઓસી બાકી હોવાથી લોકાર્પણ હાલ મુલતવી રહ્યું છે, પરંતુ ફાયર એનઓસી મળી જતાની સાથે જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરી દેવામાં આવશે.
લાઈબ્રેરીમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે RFID સિસ્ટમનો ઉપયોગ
આ આધુનિક લાઇબ્રેરીમાં પાઠ્યપુસ્તકો સહિતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ટ્રી અને એક્ઝિટ માટે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફિકેશન) સિસ્ટમ રાખવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડિંગની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે પૂરતો સૂર્યપ્રકાશ અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મળે, જેથી તેઓ પ્રાકૃતિક વાતાવરણમાં વાંચન કરી શકે અને પોઝિટિવિટી પણ આવે. આધુનિક લાઇબ્રેરીનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાચનું છે, જેમાં ઇ- કન્ટેન્ટની સુવિધા પણ વિદ્યાર્થીઓને મળી રહેશે, જેને આપણે ડિજિટલ લાઇબ્રેરી કહીએ છીએ. આ ઉપરાંત વાઇફાઇની પણ સુવિધા રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ઈ-બુક્સનો પણ ઉપયોગ કરી શકે. નવી લાઇબ્રેરીમાં 5,00,000થી વધુ પુસ્તકો રાખવામાં આવે તે પ્રકારની વિચારણા છે. તો 25 જેટલા વિદ્યાર્થીઓ માટે અલગ વાઇફાઇ રૂમ રાખવામાં આવે તેવી પણ યોજના છે.