વહેલી સવારથી સુરતને ધમરોળતા મેઘરાજા:નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવાર પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પહેલા જ ધોધમાર વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોરાભાગળ જેવા વિસ્તારોમાં તો ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને એકધારો વરસતા વરસાદને કારણે પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે. અશ્વિનીકુમાર ગરનાળુ પાણી ભરવાના કારણે બંધ કરવામાં આવ્યું
કોર્પોરેશનની ટીમ કામે લાગી
સુરત મહાનગરપાલિકા દ્વારા ભલે રસ્તાઓ પર પાણી નહીં ભરાવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન સ્થિતિ પાછલા વર્ષો જેવી જ જણાઈ રહી છે. એકધારો વરસાદ આવતા હવે કોર્પોરેશનની ટીમને પણ અલગ અલગ વિસ્તારોમાં પાણીના ભરાવાને દૂર કરવા માટે કામે લાગવાની ફરજ પડી છે. વરસાદને કારણે કતારગામ, સિંગણપોર ચાર રસ્તા, વરાછા, ઉધના ત્રણ રસ્તા અને પાંડેસરાના કેટલાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા શહેરમાં ચારે તરફ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી
વરસાદની આ ધમાકેદાર શરૂઆતથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ રાખવી અનિવાર્ય છે.