વૃદ્ધને માર મારવાની ઘટનામાં હવે રબારી સમાજ મેદાને:પાટીદાર સમાજ 100 ગાડી લઈને આવે તો આપણી 500 ગાડી ભેગી થવી જોઇએ, હડતાળ-આંદોલન પણ કરીશું
ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં 7 ઓગસ્ટ, 2025ના રોજ અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલેવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો, જેથી ઘટનાની રાત્રે સુરતમાં બે હજાર પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી. જેમાં કાળાતળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું.ત્યાર બાદ 8 ઓગસ્ટની સવારે સુરતથી 100 કાર સાથે પાટીદારો કાળાતળાવ પહોંચ્યા હતા. ત્યારબાદ કાળા તળાવમાં સભા યોજી હતી. તેમજ આરોપી રાજુ ઉલવાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
હવે આ મામલે રબારી સમાજ મેદાને આવ્યો છે. વિહોતર ગ્રુપે ગુજરાતે રબારી સમાજને હાકલ કરતા કહ્યું કે, પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી સાથે કાળાતળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિક છીએ. કમ સે કમ 500 ગાડી તો ભેગી થવી જ જોઈએ. રાજકારણમાં જોડાયેલા પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી પાછળથી સમાજના યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યો. રબારી સમાજે જાગવું પડશે, એક થવું પડશે. સમાજને એક બની ન્યાય માટે લડવું પડશે, દોડવું પડશે અને ખર્ચાવું પડશે. આ કેસ પાછો નહીં ખેંચાઈ તો રબારી સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને જો જરૂર પડશે તો ભૂખ હડતાળ પણ કરશે.
આ અંગે વિહોતર ગ્રુપ ગુજરાતના ઉપાધ્યક્ષ ગોકુળભાઈ કરમટીયાએ જણાવ્યું કે, હાલ ભાવનગર નહીં પરંતુ આખા ગુજરાતમાં એક જ મુદ્દો ચર્ચા રહ્યો છે, ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામે કે યુવાને વૃદ્ધને માર માર્યો છે. એલા ભાઈ... વૃદ્ધને માર્યો છે તો રેતી લેતા હશે અથવા તો કંઈક જૂનો વિવાદ હશે, એ બાબતે માર્યો હશે અને એનો કેસ પણ થયો છે. આ પછી પણ પાટીદાર સમાજે મુદ્દાને ચગાવ્યો કે, વૃદ્ધને માર્યા અને પાછળથી પણ યુવક વિરુદ્ધમાં લૂંટનો ગુનો દાખલ કરાવ્યો. કેમ કે, પાટીદાર સમાજના આગેવાનોએ, પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી, ઉપરથી દબાણ કરાવ્યું અને પાછળથી ત્રીજા દિવસે લૂંટનો ગુનો દાખલ કરાવ્યો એ બાબતે આપણે ચર્ચા કરવાની છે. ખોટા ગુના કેમ દાખલ કરાવવામાં આવે છે? આ આ બાબતે ભાવનગરના "રબારી સમાજે જાગવું પડશે. એક થવું પડશે. સમાજને એક થઈ ન્યાય માટે લડવું પડશે, દોડવું પડશે અને ખર્ચાવું પડશે.
‘હું પેલા ગ્રુપોનો કે પક્ષોનો નહિ ચાલે, બધાને એક થવું પડશે’
વધુમાં ઉમેર્યું કે, ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ સમાજની સાથે છે. જ્યારે-જ્યારે સમાજની દુઃખ પડે ત્યારે વિહોતર ગ્રુપ જોડાયેલું છે. જ્યારે આવા બનાવો બને ત્યારે વિહોતર ગ્રુપના યુવાનોએ કૂદી- કૂદીને કહેવાનું છે કે, આ ખોટી વાત છે. આ માટે આપણે ન્યાય માંગવો પડશે. બધાએ ખંભેખભો મિલાવી આ કાર્યમાં જોડાવું પડશે, જ્યારે જ્યારે રબારી સમાજ ટ્રસ્ટ વાળાએ ત્યાં ન જવું, એવું પણ નહીં ચાલે. એક જિલ્લામાં સમાજની વસ્તી ટૂંકી છે અને હું આ ગ્રુપનો, હું પેલા ગ્રુપનો, એમ નહીં ચાલે. બધાએ એક થવું પડશે અને સમાજમાં ભાગલા નથી પડવા દેવા. સમાજને એક તાંતણે બાંધવાનો છે. બધાને સાથે જોડાવું પડશે તો જ આપણે ન્યાય મેળવી શકીશું.
શું હતી ઘટના?
કાળાતળાવ ગામમાં 7, ઓગસ્ટને ગુરુવારે સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિહોરા લિંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે ત્રણ શખસ એવા રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારીએ આ માટી તારા બાપની છે? કેમ ભરે છે? કહીને ગાળો ભાંડી હતી. ત્યાર બાદ અરજણભાએ આ જાહેર નદી છે એમ કહેતાં રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથાથી ઢોરમાર મારવા લાગ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફત ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોરણ 6 સુધી ભણેલા 74 વર્ષીય અરજણભાઈ તેમનાં પત્ની સાથે વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં રહે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા છે અને આ ત્રણેય દીકરા હાલ સુરતમાં રહે છે. પોલીસે હુમલો કરનારી ત્રણેય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. જેમાંથી વલ્લભીપુર પોલીસે આરોપી રાજુ ઉલેવાની ધરપકડ કરી હતી.
