શેરડીના છોતરામાં 'મિલ્કી મશરૂમ'નું ઉત્પાદન!:જૂનાગઢના યુવકની અનોખી સિદ્ધિ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક યુવકે શેરડીના છોતરા( રસ કાઢ્યા બાદનો વેસ્ટ)માં મિલ્કી મશરૂમ ઉગાડવામાં સફળતા હાંસલ કરી છે. યુવકનું માનીએ તો, સૌરાષ્ટ્રમાં મોટાપ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. તેના છોતરાના વેસ્ટમાં મશરૂમ ઉગાડીને ખેડૂત આવક કરી શકે છે. શેરડીના છોતરામાં ઉત્પાદિત થતું મિલ્કી મશરૂમ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોવાનો દાવો કરાયો છે. ખેડૂતોને આ મશરૂમની કિંમત પણ ઊંચી મળી રહે છે.
5X6 ફૂટના બાથરૂમમાં સફલ પ્રયોગ કર્યો 20 વર્ષના સાંધ નઝિમ મુંગરભાઈ હુસેનભાઈ – હાલ રાજકોટની M.&N. વિરાણી સાયન્સ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ગીર વિસ્તારમાં આવેલા પોતાના ગામમાં ઉછર્યા છે. બાળપણથી જ વૈજ્ઞાનિક વિચારસરણી અને પ્રયોગશીલતા તરફ ઝુકાવ ધરાવતા નઝિમે પોતાના ઉનાળાના વેકેશનમાં ઘરના ફક્ત 5x6 ફૂટના બાથરૂમમાં એક ‘આર્ટિફિશિયલ વાતાવરણ’ ઉભું કરીને ખાદ્ય ‘મિલ્કી મશરૂમ’ ઉગાડવામાં સફળતા મેળવી.
રાજ્યમાં માત્ર બીજા અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ગુજરાતમાં અત્યાર સુધી ‘શેરડીના છોતરા’ જેવા ઓર્ગેનિક વેસ્ટ મટિરિયલમાં ‘મિલ્કી મશરૂમ’ ઉગાડવાનો પ્રયોગ માત્ર નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (NAU) દ્વારા સફળ રહ્યો હતો. નઝિમ સાંધ આ ક્ષેત્રમાં રાજ્યના બીજા વ્યક્તિ અને સૌરાષ્ટ્રના પ્રથમ યુવાન બન્યા છે.
વિજ્ઞાન અને મહેનતનું મિશ્રણ પ્રયોગ શરૂ કરતા પહેલાં નઝિમે જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (JAU)ના પેથોલોજી વિભાગની મુલાકાત લીધી. ત્યાંના નિષ્ણાતો સાથે ચર્ચા કરી અને પોતાની કોલેજના પ્રોફેસર ડૉ. હિતાર્થ ભટ્ટ પાસેથી માર્ગદર્શન મેળવ્યું. કોલેજના પ્રથમ વર્ષ દરમિયાન ‘ઓઇસ્ટર મશરૂમ’ વિષે પ્રેક્ટિકલ અને થિયોરેટિકલ અભ્યાસ કરીને તેમણે મશરૂમ ઉછેરની ટેક્નિક શીખી હતી. સાથે અન્ય મશરૂમ જાતિઓ અંગે જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાન, મળેલા માર્ગદર્શન અને પોતાનો સંકલ્પ — આ ત્રણેયના સંયોજનથી તેમણે આ અનોખી સફળતા મેળવી.
મિલ્કી મશરૂમ – અજાણ્યું પણ અદભૂત પૌષ્ટિક ખજાનો સૌરાષ્ટ્રમાં મોટેભાગે ‘ઓઇસ્ટર મશરૂમ’ અને ‘બટન મશરૂમ’ની ખેતી થાય છે, પરંતુ ‘મિલ્કી મશરૂમ’ વિષે લોકો ઓછું જાણે છે. હકીકતમાં, આ મશરૂમ પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે.
આ મશરૂમ શરીરની તાકાત વધારવામાં, હાડકાં-દાંત મજબૂત બનાવવામાં, ઈમ્યુનિટી વધારવામાં, પાચનક્રિયા સુધારવામાં, ત્વચા-વાળની હેલ્થ માટે લાભદાયક છે. ઉપરાંત, કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે, લોહી શુદ્ધિકરણમાં મદદરૂપ છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં મદદ કરે છે. માર્કેટમાં આ મશરૂમની કિંમત ₹100 થી ₹300 પ્રતિ કિલો સુધી હોય છે, એટલે આનું વ્યાવસાયિક ઉત્પાદન ખેડૂતો અને યુવાનો માટે નવી કમાણીનો રસ્તો બની શકે છે.
આગામી યોજના – લેબમાં સ્પોન ગ્રો, પેટન્ટ લેવાની તૈયારી નઝિમ હવે પોતાની કોલેજની લેબમાં ‘મિલ્કી મશરૂમ’ના સ્પોન ગ્રો કરવાનો પ્રયાસ કરશે. વધુ ઉત્પાદન મેળવવાની તકનિક વિકસાવવા માટે તેઓ 6 થી 7 મહિના સુધી પરિક્ષણ કરશે. જો સફળતા મળી તો પોતાની પ્રોસેસનું પેટન્ટ લઈ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવવાની યોજના છે.
પ્રેરણાસ્ત્રોત બની રહેલો યુવાન નઝિમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર કે સમાજ માટે નહિ પરંતુ સમગ્ર મેંદરડા તાલુકા માટે ગૌરવ છે. એવા વિસ્તારમાં જ્યાં ખેતીમાં ઘણી મર્યાદાઓ છે, ત્યાં એક યુવાને વૈજ્ઞાનિક અભિગમ અને મહેનતથી નવી ટેક્નિક વિકસાવી છે. આ સફળતા યુવાનોને નવી દિશા આપે છે – કે પ્રેરણા, જ્ઞાન અને સંકલ્પ હોય તો સંસાધનોની મર્યાદા પણ રસ્તો રોકી શકતી નથી.
