રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગુજરાતમાં સાયબર ક્રાઇમ યુનિટ ઊભું થશે
સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે એટીએસની માફક સાયબર ક્રાઇમ યુનિટ અલાયદૂ ઊભું કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.આ નિર્ણયના ભાગરૂપે આધુનિક યુનિટ ઊભો કરવામાં આવશે.જેના માટેના અત્યંત આધુનિક સાધનો ખરીદવા માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. આ યુનિટ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ યુનિટનું ગાંધીનગરમાં અલગથી ભવન બનશે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ 2020-21થી ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કુલ 23,784 કેસ નોંધાયા છે. જે વાર્ષિક સરેરાશ 4,757 અને દૈનિક 13 કેસ છે, જ્યારે દર બે કલાકે સરેરાશ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
ટૂંક સમયમાં સાયબર ક્રાઇમ યુનિટ ઉભું થશે
ગૃહ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે સાયબર ક્રાઇમ યુનિટ ઊભો કરવાનો નિર્ણય કર્યો છે. જે ટૂંક સમયમાં કાર્યરત થવાની શક્યતા છે.
સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓને અટકાવવા નિર્ણય
દેશની વધતી જતી ઇકોનોમીને કારણે લોકોની આવકમાં પણ વધારો થયો છે જેના કારણે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જઈ રહ્યા છે તેને રોકવા તેમજ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી શકાય તે માટે ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
દર ચાર મિનિટે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફોન આવે છે
ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં 2023ના આંકડાઓ પર નજર કરીએ તો 1930 પર કુલ 1 લાખ 21 હજાર 701 ફોન કોલ કરાયા છે. જેમા એકંદરે જોઈએ તો 2023માં 333 ફોન દરરોજ અને દર ચાર મિનિટમાં 1 ફોન જતો હોય છે. ભારતમાં જોવા જઈએ તો આવા કેસમાં ગુજરાત ત્રીજા નંબર પર છે અને આની પહેલા ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે.
ગુજરાતમાં દર બે કલાકે સરેરાશ એક છેતરપિંડીની ફરિયાદ
તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ 2020-21થી ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કુલ 23,784 કેસ નોંધાયા છે. જે વાર્ષિક સરેરાશ 4,757 અને દૈનિક 13 કેસ છે, જ્યારે દર બે કલાકે સરેરાશ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ડેટા દર્શાવે છે કે આ કિસ્સાઓમાં ગુજરાતને 17 કરોડનું નુકસાન થયું છે, જેમાં પ્રત્યેક કેસ દીઠ સરેરાશ 7,147 રૂપિયાનું નુકસાન થયું છે. 2023-24માં 7.73 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા કુલ નુકસાનના લગભગ 45% છે. કુલ રકમમાંથી, ફરિયાદીઓને 3.27 કરોડ રૂપિયા અથવા કુલ ગુમાવેલી રકમના 19% પરત કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ સાંસદ એન્ટો એન્ટોની અને બૈજયંત પાંડાના પ્રશ્નોના જવાબમાં આ આંકડા રજૂ કર્યા હતા.
નાણાંકીય વર્ષ 2024-25માં બેંકોમાં થયેલી કુલ ફરિયાદો મુજબ ગુજરાત આઠમાં ક્રમે હતું. જેનો ડેટા ભારતીય રિઝર્વ બેંક (RBI)ને આપ્યો હતો. આ ડેટા મુખ્યત્વે 'ડિજિટલ પેમેન્ટ્સ, કાર્ડ/ઇન્ટરનેટ અને એડવાન્સિસ-ડિજિટલ લેન્ડિંગ (એપ આધારિત)' સંબંધિત હતો. ગત નાણાકીય વર્ષમાં તમિલનાડુમાં સાયબર ફ્રોડની 37,497 ફરિયાદો નોંધાઈ હતી, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 31,658 અને હરિયાણામાં 23,861 ફરિયાદો નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ રૂ. 27.44 કરોડનું અને ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં રૂ. 19 કરોડનું નુકસાન થયું હતું.
