ખોટા ખેડૂત ખાતેદારના કેસમાં વોરા સામે તંત્ર એક્શન મોડમાં:રમણ વોરાને 3 નોટિસ આપીને ખુલાસો પૂછાશે
ઓગણજનો સરવે નંબર 719/3નો રમણ ઈશ્વરભાઈના નામનો ખેડૂત ખરાઈનો દાખલો વટાવીને ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ પાલજ અને ઈડર પાસેના દાવડમાં કરોડોની જમીન પોતાના નામે કરી દીધી હતી. ભાસ્કરે સમગ્ર પ્રકરણમાં સાચા ખેડૂત રમણ ઈશ્વરભાઈ પટેલને શોધીને કૌભાંડનો પર્દાફાશ કરતાં તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.
અગાઉ ગાંધીનગર અને ઈડરના મામલતદાર અને કૃષિપંચે ધાટલોડીયા મામલતદારને પૂછ્યું હતું કે, રમણ વોરાનો ખેડૂત ખરાઈનો દાખલો સાચો છે? તેને લઈને ઘાટલોડીયા મામલતદાર અને કૃષિપંચે જવાબ કર્યો હતો કે, રમણ વોરા ખોટા ખેડૂત ખાતેદાર છે તેમનો દાખલો રદ કરવો. ભાસ્કરે ઘાટલોડિયા મામલતદાર નિતેશ પંડ્યા સાથે વાત કરતાં તેમણે પણ આ વાતનો સ્વિકાર કર્યો હતો. ગાંધીનગર અને ઈડર મામલતદાર અને કૃષિ પંચ તરફથી આગામી દિવસોમાં વોરા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરીને ગણોતધારાની કલમ 63 અને 84c અંતર્ગત પગલાં ભરાશે.
વોરાને નોટિસ આપીને પૂછાશે કે, બિનખેડૂત હોવાં છતાં ખેડૂત ખાતેદાર બન્યાં હોવાથી તમારી તબદીલી ગેરકાયદેસર કેમ ન ગણવી? વધુમાં 3 નોટિસ સુધીની તક આપવામાં આવશે ત્યારબાદ પણ વોરા પોતાને સાચા સાબિત ન કરી શક્યાં અને રમણ વોરા પણ એ વાતનો સ્વિકાર કરશે કે તેઓ બિન ખેડૂત છે, તો જમીન મૂળ ખાતેદારને નામે તબદીલ કરવામાં આવશે. ભાસ્કરે કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે ખુદ રમણ વોરાએ ખેડૂત ખરાઈનો દાખલો તેમનો ન હોવાનો સ્વિકાર કર્યો હતો. વોરાએ ખોટા પૂરાવાઓને આધારે જમીનો લીધી હોવાથી તમામ જમીનો શ્રીસરકાર કે મૂળ ખેડૂતને પરત કરવાનો વારો આવશે એ નક્કી છે. રમણ વોરા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ થયો ન હતો.
ગેજેટ નંબર 2815 મુજબ, 63AD અંતર્ગત કાર્યવાહી કરાશે
મામલતદાર એમ.ડી. ગોહેલે કહ્યું હતું કે નોટિસ આપીને રમણ વોરાને તક આપવામાં આવશે, જો તેઓ બિનખેડૂત હોવાનું સ્વીકારશે તો જમીન મૂળ ખેડૂતને પરત કરાશે. ગેજેટ નંબર 2815 મુજબ 63AD અંતર્ગત કાર્યવાહી થશે. જો ખોટા પૂરવાર થશે તો ત્રણ ગણો દંડ વસૂલાશે. - ગાંધીનગર મામલતદાર
ઈડર મામલતદાર વિરુદ્ધ તપાસ શરૂ થાય તે પહેલાં જ બદલી કરી દીધી
રમણ વોરાએ ખરીદેલી જમીનના વેચાણ નોંધ નહીં આપવા બદલ ઈડર મામલતદાર એ.એ. રાવલ સામે પગલાં ભરવાના આદેશ અપાયા હતા. જો કે તપાસ પહેલા જ તેમની બદલી થઈ હતી.
