ONGCના અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 1.36 કરોડ પડાવ્યા
અમદાવાદમાં રહેતા એક મહિલા ONGCમાં નોકરી કરે છે. તેમને કેટલાક વ્યક્તિઓએ અજાણ્યા નંબર પરથી ફોન કરીને TRAIના અધિકારીની ઓળખ આપી હતી. ત્યાર બાદ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી કુલ 1.36 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જોકે, આરોપીઓએ વધુ 50 લાખ રૂપિયાની માંગ કરતા મહિલાએ તેમના સ્વજનને આ અંગે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અજાણ્યા નંબરથી ફોન કરી કહ્યું તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે
ગોતામાં રહેતા 51 વર્ષીય મહિલા ONGCમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. 31 મેના રોજ તેમના મોબાઈલમાં અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને કહ્યું હતું કે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે. મહિલાએ અજાણ્યા નંબર પર સામેથી ફોન કરીને કહ્યું કે, શા માટે મારો ફોન બંધ થઈ જશે, ત્યારે ફોન કરનાર વ્યક્તિએ તેમને કહ્યું કે, TRAI કંપનીમાંથી બોલે છે અને અમારા સિનિયર અધિકારીનો તમને ફોન આવશે. જે બાદ મહિલાએ એક વોટ્સએપ વીડિયો કોલ આવ્યો જેમાં પોલીસનો યુનિફોર્મ પહેરીને એક વ્યક્તિ દેખાતો હતો.
કેનેરા બેંકમાં 2 કરોડની બ્લેક મની છે જેમાં તમારું આધારકાર્ડ લિંક છે
ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ બોમ્બે CBIમાં બોલતા હોવાની આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેનેરા બેંકમાં બે કરોડ જેટલી બ્લેક મની છે જેમાં તમારું આધાર કાર્ડ લિંક બતાવે છે. તમે આ બ્લેક મનીમાં સામેલ છો. જેથી અમારા અધિકારી તમારી સાથે પૂછપરછ કરશે. તમે સંપૂર્ણ વિગત લખાવી દેજો. ત્યાર બાદ મહિલાને બીજા નંબર પરથી વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો જેમાં મહિલાને ફોન કરનારે જણાવ્યું હતું કે, તમારા વિરોધમાં એરેસ્ટ વોરંટ છે જેથી તમારી વધુ પૂછપરછ કરવી પડશે. તમારો ફોન બંધ કરતા નહીં.
તમારો મોબાઈલ અમારા ટ્રેકમાં છે, તમારે ક્યાંય જવાનું નથી
ફોનમાં રિચાર્જ ઓછું હોય તો પહેલાં તમે રિચાર્જ કરાવી દો. તમારો મોબાઈલ અમારા ટ્રેકમાં જ રહેશે. તમારા ઘરમાં કોઇને આવવા દેવાના નહીં અને તમારે ક્યાંય જવું હોય તો અમને પૂછીને જ જવાનું. કોઈનો પણ ફોન રિસીવ કરવાનો નહીં અને તમારા ઘરમાં કોણ કોણ છે તેથી મહિલાએ કહ્યું હતું કે, તેમના માતા તેમની સાથે રહે છે. જેથી તેમને માતાનો ફોન નંબર પણ ફોન કરનારે માંગી લીધો હતો. ત્યાર બાદ મહિલાને એક એપ્લિકેશન લખાવી હતી અને તેનો ફોટો પાડીને મહિલાએ ફોન કરનાર વ્યક્તિને મોકલ્યો હતો.
નકલી જજે ફોન કરી 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
ત્યાર બાદ 2 જૂને મહિલા પર ફરી એક વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું હતું કે, તે બોમ્બે CBIમાંથી મેનેજર બોલે છે. જજ ગોગાઈ સાહેબ તેમની સાથે વાત કરશે ફોન ચાલુ રાખજો. થોડીવાર બાદ જજ ગોગાઈ સાહેબ કોર્ટમાં બેઠા હતા. નકલી જજે મહિલાને કહ્યું હતું કે, તમારા ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા છે. લીગલ છે કે નહીં તેની તપાસ માટે ઓર્ડર લખાવ્યો છે. ઓર્ડર તેમને વોટ્સએપ પણ કર્યો હતો. તેમને પૂછ્યું હતું કે, તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા છે તેથી મહિલાએ કહ્યું હતું કે 35 લાખ છે, ત્યારે મહિલાને એક બેંક એકાઉન્ટ નંબર આપીને તેમાં આ પૈસા વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.
FDનું વેરિફિકેશન કરવું પડશે તેથી તમારી FDની રકમ પણ ટ્રાન્સફર કરો
મહિલાએ બેંકમાં જઈને RTGS ફોર્મ ભરીને તે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. 3 જૂને પણ મહિલા પર ફરીથી વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં મહિલાને કહ્યું હતું કે, તમારી FDનું વેરિફિકેશન કરવું પડશે તેથી તમારી FDની રકમ પણ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. ત્યારે મહિલાએ 35 લાખ અને 15 લાખની બે અલગ અલગ FDની રકમ ફોન કરનાર વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. મહિલા ઉપર રોજ સતત ફોન આવતા અને તેમની પાસે અલગ અલગ બહાના હેઠળ જે પણ રકમ હોય તે રકમ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.
અંતે મહિલાએ સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવીમહિલાએ તેમના અને તેમના માતાના બેંકની રકમ તથા FDની રકમ એમ કુલ મળીને 1.36 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ મહિલા પાસે બીજા 50 લાખ રૂપિયા માંગ્યા હતા તેથી મહિલાએ 50 લાખ માટે તેમના સંબંધીની મદદ લીધી, ત્યારે તેમના સબંધીએ તેમને જણાવ્યું હતું કે, તેમની સાથે ફ્રોડ થયું છે. મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.