સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 1 મહિનામાં સીમાંકન શરૂ થશે:અનામત બેઠકોનું રોટેશન થશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તા અને વિપક્ષ માટે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડા જ મહિનાઓમાં યોજાઈ શકે છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આવનારા એક મહિનામાં સીમાંકનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ગાંધીનગરસ્થિત ટોચનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 6 મહિનામાં આવવાની છે એ પહેલાં જ સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થાય એવી શક્યતા છે.
દરેક નવી મહાનગરપાલિકામાં 52 સીટ હશે
શહેરીકરણ વધતાં રાજ્ય સરકારે નવી બનાવેલી 9 મહાનગરપાલિકાની બેઠકોનું સીમાંકન 2011ની વસતિગણતરી પ્રમાણે થશે. આ દરેક નવી મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે નક્કી કર્યા મુજબ 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતા છે. કયા વોર્ડમાં કઇ-કઇ સોસાયટી અને કયા-કયા વિસ્તારનો સમાવેશ થશે એ આ સીમાંકનમાં નક્કી કરાશે. જ્યારે બાકીની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો નહીં થાય, પરંતુ તેની OBC, SC-ST અનામત બેઠકોમાં રોટેશન થશે.
રાજકીય પક્ષોનું ગણિત બદલાશે
સીમાંકનમાં અનામત બેઠકોનું રોટેશન થવાથી રાજકીય પક્ષોએ પોતાનું ગણિત બદલવું પડશે. જે-તે બેઠકના મતદારોના મિજાજને ધ્યાને રાખીને ઉમેદવાર માટે નવેસરથી મંથન કરવું પડશે.
થોડા દિવસો પહેલાં જ રાજ્ય ચૂંટણીપંચે નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરી છે, જેને આ મહાનગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઇ હોવાના સંકેતરૂપે જોવાઇ રહી છે.
પહેલીવાર એકસાથે 9 મહાનગરપાલિકા બનાવાઈ
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હતું કે સરકારે એકસાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો હોય. નવા વર્ષના પહેલા દિવસે સરકારે આ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલાં ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા હતી. હવે એ સંખ્યા વધીને 17 થઇ ગઇ છે.
ટેક્સ વધારવાનો કોઈ ફિક્સ નિયમ નથી
જ્યારે પણ કોઈ વિસ્તારનો ગ્રામપંચાયતમાંથી નગરપાલિકામાં સમાવેશ થાય, નગરપાલિકાનો દરજ્જો ધરાવતું શહેર મહાનગરપાલિકા બને તો સામાન્ય લોકો પર તેની સૌથી પહેલી અસર ટેક્સરૂપે થાય છે, એટલે જ જ્યારે સરકારે 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી તો જે-તે શહેરોમાં રહેતા લોકો તરફથી એવો પણ ગણગણાટ સાંભળવા મળ્યો કે હવે અમારો વિસ્તાર મહાનગરપાલિકા બનવાથી ટેક્સનું ભારણ વધી જશે.
હકીકત એ છે કે મનપા વિસ્તારમાં જે-તે મિલકત કેટલી મોટી છે? કયા ઝોન કે વિસ્તારમાં આવેલી છે? મકાનનો પ્રકાર, જેમ કે રહેણાક, કોમર્શિયલ કે ધાર્મિક છે તેના આધારે ટેક્સના સ્લેબ બને છે. ટેક્સ વધારવાની સત્તા નગરપાલિકા અને સામાન્ય સભા પાસે છે. એ ઠરાવ કરીને ટેક્સ વધારી શકે છે. ટેક્સ વધારવાનો ફિક્સ ક્રાઇટેરિયા નથી.
મહાનગરપાલિકા પાસે વેરા સિવાય બિનવેરાની આવકના પણ ઘણા સ્ત્રોત હોય છે, જેમાં ટીપીમાંથી મળતી એફએસઆઈની કિંમત, ટાઉન પ્લાનિંગની ફી, જાહેરાત વગેરે મોટી આવકના સ્ત્રોત છે. પ્રોપર્ટી ટેક્સમાં 4 વર્ષે આકારણી કરીને મનપા વેરામાં ફેરફાર કરી શકે છે.
વિધાનસભા-લોકસભાની બેઠકોનું સીમાંકન કેન્દ્રીય સીમાંકન પંચ કરે છે
અલગ અલગ પ્રકારની ચૂંટણીઓમાં કેટલી બેઠકો હોવી જોઇએ એ વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ નક્કી થતું હોય છે. આ આખી પ્રક્રિયાને સીમાંકન તરીકે ઓળખવામાં આવે છે. સમયાંતરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે સીમાંકન થતું હોય છે. વિધાનસભા અને લોકસભાની બેઠકનું સીમાંકન કેન્દ્રીય સીમાંકન પંચ કરે છે. જ્યારે રાજ્યની સ્થાનિક ચૂંટણીઓ, જેવી કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું સીમાંકન રાજ્યનું ચૂંટણીપંચ કરે છે. છેલ્લી વસતિગણતરી 2011માં થયેલી છે, એટલે કોઈપણ બેઠકનું સીમાંકન તે જ વસતિગણતરીના આધારે થાય છે.
સીમાંકન શા માટે જરૂરી?
સમયની સાથે વસતિ વધતાં દરેકને સમાન પ્રતિનિધિત્વ મળી શકે એ માટે સીમાંકન જરૂરી છે. સીમાંકન હેઠળ લોકોનું સાચું પ્રતિનિધિત્વ થઇ શકે એ માટે મતવિસ્તારને તેની વસતિના આધારે વધારવામાં આવે છે અથવા બીજા વિસ્તારમાં ભેળવી દેવામાં આવે છે.