શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાએ 60 કરોડનું કરી નાખ્યું!:કપલ વિરુદ્ધ છેતરપિંડીની FIR દાખલ
'પોર્ન રેકેટ' બાદ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા ફરીવાર ચર્ચાએ ચઢ્યાં છે. મુંબઈના એક બિઝનેસમેને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના લોન-કમ-રોકાણ સોદામાં ₹ 60.48 કરોડની છેતરપિંડીના ગુનાનો આરોપ લાગ્યો છે. હાલ સેલેબ્સ કપલ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી બિઝનેસમેન દીપક કોઠારી કહે છે કે 2015થી 2023ની વચ્ચે તેમણે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે દંપતીને કુલ 60.48 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આ રકમ વ્યક્તિગત ખર્ચમાં ખર્ચવામાં આવી હતી.
શિલ્પા કંપનીની 87% શેરહોલ્ડર હતી
ફરિયાદી બિઝનેસમેનના જણાવ્યા મુજબ, તેઓ 2015માં એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા અને રાજ કુન્દ્રાને મળ્યા હતા. એ સમયે બંને બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા અને શિલ્પા કંપનીના 87%થી વધુ શેરની માલિકી ધરાવતી હતી. એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દીપક શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીને લોન આપશે. કંપની માટે ₹ 75 કરોડની લોન માગવામાં આવી હતી, જેના પર 12% વાર્ષિક વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.
દીપક કોઠારીનો આરોપ છે કે પાછળથી શિલ્પા અને રાજ કુન્દ્રાએ તેમને કહ્યું કે લોન પર ટેક્સની સમસ્યા થઈ શકે છે, એટલે આપણે રોકાણ તરીકે બતાવીશું અને દર મહિને વળતર આપીશું.
₹31.95 કરોડ રૂપિયાની પહેલી ચુકવણી એપ્રિલ 2015માં કરવામાં આવી હતી
એપ્રિલ 2015માં કોઠારીએ લગભગ 31.95 કરોડ રૂપિયાની પહેલી ચુકવણી કરી હતી. ટેક્સની સમસ્યા ચાલુ રહેતાં સપ્ટેમ્બરમાં બીજો સોદો થયો અને જુલાઈ 2015 અને માર્ચ 2016 વચ્ચે, તેમણે બીજા 28.54 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. કુલ મળીને તેમણે 60.48 કરોડ રૂપિયા ચૂકવ્યા. ઉપરાંત સ્ટેમ્પ ડ્યૂટી તરીકે 3.19 લાખ રૂપિયા ચૂકવ્યા. કોઠારીનો દાવો છે કે શિલ્પાએ એપ્રિલ 2016માં તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી, પરંતુ એ જ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપી દીધું.
આ પછી શિલ્પાની કંપની દ્વારા 1.28 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો કેસ પ્રકાશમાં આવ્યો. કોઠારીને આ વાતની કોઈ જાણકારી નહોતી. તેમણે ઘણી વખત પોતાના પૈસા પાછા માગ્યા, પરંતુ કોઈ જવાબ કે પૈસા મળ્યા નહીં.
પહેલા જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રકમ ₹10 કરોડથી વધુ હોવાથી તપાસ આર્થિક ગુના શાખા (EOW)ને સોંપવામાં આવી છે. EOW આ કેસની તપાસ કરી રહી છે.
