Loading...

મગફળીના પાકમાં મુંડાના ત્રાસથી ખેડૂતો પરેશાન:જૂનાગઢના ખેડૂતોની સરકારને સર્વે કરી સહાય આપવા અપીલ

હાલ રાજ્યમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં હાલ મગફળીના પાકમાં મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ જીવાત પાકના મૂળને ભારે નુકસાન પહોંચાડી રહી છે જેના કારણે છોડ સુકાઈ રહ્યા છે અને ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે ખેડૂતો દ્વારા સરકારને સર્વે કરી સહાય આપવા અપીલ કરી છે તો બીજી તરફ કૃષિ નિષ્ણાંતે આ જીવાતોને નિયંત્રિત કરવા યોગ્ય માવજતની સલાહ આપી છે.

'નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય મળે': જયેશ ધોરાજીયા 

ઝાંઝરડા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, અત્યારે અમારા ખેતરોમાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. આ જીવાત મૂળ ખાઈ જાય છે અને ડોડવાને પણ નુકસાન પહોંચાડે છે. હાલ વાવેતરનો સમય વીતી ગયો હોવાથી બીજો કોઈ પાક વાવી શકાય તેમ નથી. અમે સરકારને અપીલ કરીએ ચીએ કે, આ નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય મળે. ખેડૂતોની આવક પર જ દેશનું અર્થતંત્ર નિર્ભર છે તેથી સરકાર આ મામલે તાત્કાલિક પગલાં ભરે.

'મોંઘું બિયારણ અને દાવાનો ઉપોયગ છતાં નિયંત્રણમાં આવતા નથી'

ઝાંઝરડા ગામના અન્ય ખેડૂતે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારી મગફળીમાં મુંડાનો ખૂબ ત્રાસ છે જેના કારણે છોડ સુકાઈ રહ્યા છે. અમે મોંઘા ભાવના બિયારણ અને દાવાઓનો ઉપોયગ કર્યો છે છતાં મુંડા નિયંત્રણમાં આવતા નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, તાત્કાલિક સર્વે કરીને અમને સહાય પૂરી પાડે કારણ કે, અત્યારે ફરીથી વાવેતર કરવું શક્ય નથી.