લોકમેળામાંથી 100 ટન કચરો નીકળવાનો અંદાજ:સફાઈ વ્યવસ્થા માટે 260 સફાઈ કામદાર, 2 JCB, 4 ડમ્પર તેમજ 10 મીની ટીપરવાન તૈનાત
રાજકોટના લોકમેળાને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્વચ્છતા જાળવવા માટે 260 સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે. આ લોકમેળો પુર્ણ થયા બાદ વધારાના પાંચ દિવસ સુધી સફાઈ કરાશે, જેમાં કચરાના નિકાલ માટે 2 JCB, 4 ડમ્પર અને 10 મીની ટીપરવાન કામે લગાડવામાં આવી છે. જોકે જિલ્લા કલેકટર કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ તેમાં સફાઈની જવાબદારી મહાપાલિકાને સોંપવામાં આવતી હોય છે. ત્યારે લોકમેળામાં 100 ટન કચરો નિકળે તેવા અંદાજ સાથે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
260 સફાઈ કર્મી ત્રણ શિફ્ટમાં ફરજ બજાવશેઃ અધિકારી
સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, લોકમેળાની શરૂઆત તારીખ 14 ઑગસ્ટ એટલે કે આજથી થનાર છે, પરંતુ સ્વચ્છતાનું આયોજન ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે મેળા સમાપ્ત થયા બાદ 22મી ઑગસ્ટ સુધી ચાલુ રહેશે. આ માટે મેળામાં 260 સફાઈ કામદારોની ત્રણ અલગ-અલગ શિફ્ટમાં ફરજ સોંપવામાં આવી છે. આ કામદારો મેળા ગ્રાઉન્ડની સફાઈ વ્યવસ્થાને સુચારુ રીતે સંભાળશે.
પાંચ દિવસમાં 100 ટન કરચો નિકળવાનો અંદાજઆ ઉપરાંત, સમગ્ર સફાઈ વ્યવસ્થાનું સંચાલન કરવા માટે 15થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એસાઈ, એસએસઆઈ, આસિસ્ટન્ટ એન્જિનિયર, સેનિટેશન ઑફિસરની સાથે-સાથે ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે. લોકમેળામાં કચરાના નિકાલ માટે 2 JCB, 4 ડમ્પર અને 10 મીની ટીપરવાન કામે લગાડવામાં આવી છે. આ લોકમેળો પાંચ દિવસ ચાલનાર છે, જેમાં સરેરાશ દરરોજ 20 ટન ગણીએ તો 100 ટન કચરો નિકળે તેવો અંદાજ છે.
કચરાના નિકાલ માટે ડસ્ટબીન અને વાહનોની વ્યવસ્થા
લોકમેળામાં આવતા સ્ટોલધારકો દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થતો હોય છે. ખાસ કરીને ફૂડ સ્ટોલ્સ, આઈસ્ક્રીમના સ્ટોલ્સ અને રમકડાંના સ્ટોલ્સ પર કચરો વધારે એકઠો થાય છે. આ કચરાના યોગ્ય નિકાલ માટે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સ્ટોલધારકોને 200 લીટરના ડ્રમ પ્રકારના ડસ્ટબીન રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ડસ્ટબીનમાં એકઠો થયેલો કચરો મહાનગરપાલિકાના ટીપર કલેક્ટ કરશે અને ડસ્ટબીનમાં નાખશે.
ગંદકી કરનાર સ્ટોલ ધારકોને નોટિસ ફટકારાશે
કચરાના સંગ્રહ અને નિકાલ માટે જેસીબી, ડમ્પર અને ટીપર જેવા વાહનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કોઈ સ્ટોલધારક આ સૂચનાનું પાલન નહીં કરે, તો તેમને નોટિસ પાઠવવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે. મેળાની મજા માણવા આવતા લોકોને પણ સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને કચરાનો નિકાલ ડસ્ટબીનમાં કરે તે ખૂબ જરૂરી છે. આ પગલાંથી મેળાને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહેશે.
લોકોને જાહેરમાં કચરો ન ફેકવા અપીલ
ઉલ્લેખનીય છે કે, મનપાએ લોકમેળામાં આવતા તમામ મુલાકાતીઓને સ્વચ્છતા જાળવવા માટે ખાસ અપીલ કરી છે. લોકમેળો સૌરાષ્ટ્રની શાન છે અને તેની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે. મહાપાલિકા દ્વારા આયોજન તો કરવામાં આવ્યું છે, પરંતુ લોકોના સહકાર વિના તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકાય નહીં. કચરાનો યોગ્ય નિકાલ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને મેળાના પરિસરને સ્વચ્છ રાખવા જેવા કાર્યો કરીને લોકોને સહકાર આપવા જણાવાયું છે.
