Loading...

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે મહારેલી:ગુજરાતભરમાંથી ટ્રકો ભરી ભરી આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ રહી છે. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સૈંકડો લોકો ટ્રક ભરી ભરીને ઉમટ્યા છે.

રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ શું છે? 

પાર, તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.

ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચિકાર બનવાનો છે, જેમાં 12 ગામ જશે. વઘઈ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાંના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ, સૌરાષ્ટ અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનો DPR રજૂ થયો છે, એટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરુ થયો છે.

પાર-તાપી નર્મદા સંઘર્ષ સમિતિ અને સ્થાનિક વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અંનત પટેલ ગામે ગામ જઈને લોકોને સમજાવી રહ્યા છે કે, આ પ્રોજેક્ટ થકી લાખો આદિવાસીઓને ગામ ખાલી કરી-કરીને બીજે જવું પડશે. આ વિરોધને ઉગ્ર રૂપ આપવા 14 ઓગસ્ટે (આજે) વલસાડના ધરમપુરમાં વિશાળ જનઆક્રોશ રેલી યોજાઈ રહી છે.