5 લાખના મુગટથી બાળ ગોપાલના સ્વાગતની તૈયારી:સુરત જ્વેલર્સ બજારમાં 50 ગ્રામથી 5 કિલો સુધીના પારણાંના ઓર્ડર
સુરત જે તેના હીરા ઉદ્યોગ અને કાપડ બજાર માટે જાણીતું છે, તે હવે જન્માષ્ટમીના આગમન સાથે આધ્યાત્મિક રંગોમાં રંગાઈ ગયું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આ ઉત્સાહ ખાસ કરીને જ્વેલર્સ બજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે અને આ પર્વને ઉજવવા માટે લોકો બાળ ગોપાલની પ્રતિમાઓ, પારણા અને અન્ય શણગારની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે, સાથે ગોલ્ડ અને અમેરિકન ડાયમંડના મુગટનું આકર્ષણ લોકોમાં છે.
સોનાની અદ્ભુત પ્રતિમાઓ, ઝૂલા, મુગટ, વાંસળી
આ વર્ષે જન્માષ્ટમીની તૈયારીઓ અસામાન્ય રીતે ભવ્ય છે, જ્વેલર્સ દ્વારા બાળ ગોપાલ માટે ચાંદી અને સોનાની અદ્ભુત પ્રતિમાઓ, ઝૂલા, મુગટ, વાંસળી અને અન્ય રમકડાંની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે. આ વસ્તુઓ કલાત્મકતા અને ધાર્મિકતાનું સુંદર મિશ્રણ રજૂ કરે છે.
ચાંદીની પ્રતિમાઓ અને પારણાની માંગ
સુરતના જ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા મુજબ, જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ વર્ષે ચાંદીના ઝૂલા અને બાળ ગોપાલની પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો માત્ર ઝૂલા જ નહીં, પરંતુ ચાંદીના હાથી, ઘોડા અને ગાય જેવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે.
