Loading...

માતાની તરતી લાશ પર દીકરી, 5 સેકન્ડનો હચમચાવી નાખતો VIDEO:બાળકીને બહાર કાઢી CPR આપ્યું તો રડી

માતાની તરતી લાશ અને તેની પર જીવવા માટે વલખા મારતી તેની બે વર્ષની દીકરી. જી...હા આ 5 સેકન્ડનો વીડિયો તમને હચમચાવી નાખશે. આ કરૂણ બનાવ બન્યો છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર..જ્યાં ગઈકાલે (15 ઓગસ્ટ) સાંજે પિન્કીબેન નામની મહિલાએ પોતાની બાળકી સાથે નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાનું મોત થયું હતું પરંતુ બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.રેસ્ક્યૂ ટીમે જ્યારે બંનેને બહાર કાઢ્યા ત્યારે બાળકીને CPR આપ્યો તો બાળકી જીવતી હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ફેફસામાં પાણી ભરાયું હોવાથી બાળકીનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું.

માતાના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરી રહી હતી 

ઉસ્માનપુરા ગાર્ડન તરફના રિવરફ્રન્ટ પર સાંજે 6 વાગ્યાની આસપાસ પિન્કીબેન રાવત નામની 38 વર્ષીય મહિલાએ પોતાની બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. દીકરીને હાથમાં પકડી માતા સાબરમતી નદીમાં કૂદી ગઈ હતી. જેથી માતાના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરી રહી હતી. આ અંગે જાણ થતાં પોલીસ અને રિવર રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી.

બાળકીને CPR આપતા રડવા લાગી પણ હોસ્પિટલમાં દમ તોડ્યો 

રેસ્ક્યૂ ટીમના ભારત માંગેલા અને તેમની ટીમે બંનેને નદીમાંથી બહાર કાઢ્યા હતા.આ દરમિયાન બાળકી જીવતી હોય એવું લાગતા ભરત માંગેલાએ બાળકીને CPR આપ્યું હતું.ત્યારે બાળકી રડવા લાગી એટલે કે બાળકી જીવતી હતી. એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ બાળકીનો જીવ બચાવવા માટે પોલીસની ગાડીમાં જ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. આ દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડી હતી.

ફેફસામાં પાણી ભરાઈ જવાના કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત 

માતા પિન્કીબેનનું તો નદીમાં ડૂબી જવાથી જ મોત થયું હતું. પરંતુ બાળકીનું સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ ગયું હોવાથી મોત થયું હતું. માતા અને દીકરીનો આપઘાતનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં માતાની લાશ તરી રહી છે અને બાળકી માતાની છાતી પર છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.