Loading...

દ્વારકા-શામળાજી-ડાકોરમાં શ્રીકૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી:વરસાદમાં ભક્તો ઘેલા બન્યા

શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે જન્માષ્ટમીએ રાતે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિર ‘નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયાલાલકીના નાદથી ગુંજી ઉઠ્યા’. ત્રણેય મંદિરમાં વ્હાલાના વધામણાં કરવામાં આવ્યા અને મહાઆરતી કરવામાં આવી. કૃષ્ણજન્મનો ભક્તોનો આ ઉલ્લાસ નંદોત્સવની ઉજવણીમાં પરિણમ્યો છે. દ્વારકામાં 6 દિવસ સુધી કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવશે. દ્વારકામાં વરસતા વરસાદમાં ભક્તો ઘેલા બન્યા. કૃષ્ણજન્મ સમયે જ વરસાદ વરસતા દ્વારકામાં ગોકુલ જેવું વાતાવરણ સર્જાયું છે.

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ત્રણેય મંદિરોમાં એક અલગ જ ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્રણેય મંદિરોમાં આરતી અને પ્રભુના શણગાર સમયે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભક્તો દૂર-દૂરથી કાન્હાના દર્શને આવ્યા છે અને વ્હાલાના વધામણાં કરી ઓવારણા લીધા છે. ત્રણેય મંદિરોની આસપાસનો વિસ્તાર પણ ધાર્મિક ગીતો અને ભજનોથી સતત ગુંજી ઉઠ્યો છે. શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ બાદ ભવ્ય આતીશબાજી કરવામાં આવી હતી.

દ્વારકાનું સુપ્રસિદ્ધ જગતમંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિર પર કરવામાં આવેલી સુંદર રોશનીની સજાવટ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મંદિરમાં વિવિધ પ્રકારની લાઇટિંગ ગોઠવવામાં આવી છે, જે રાત્રિના અંધારામાં મંદિરની ભવ્યતાને વધુ નિખારે છે. 10 કિલોમીટર દૂરથી દેખાતી આ રોશનીએ ભક્તિ અને ઉમંગના વાતાવરણમાં વધારો કર્યો છે.

લાખો ભક્તોએ 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદ સાથે વહેલી સવારથી દર્શનનો લાભ લીધો. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી કાળિયા ઠાકરના દર્શન કરી શકે.