Loading...

માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો:રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ

દેશના 26 રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ટીકમગઢમાં છેલ્લા પાંચ વર્ષમાં જૂન મહિનામાં પડેલા વરસાદ કરતાં માત્ર એક જ દિવસમાં વધુ વરસાદ નોંધાયો છે. રવિવારે અહીં 9 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ તરફ, રાજસ્થાનના માઉન્ટ આબુમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો. આના કારણે ઘણી નદીઓ પૂરની સ્થિતિમાં છે અને ઘણા નાના-મોટા ગામડાઓ અને શહેરોનો અન્ય સ્થળોથી સંપર્કવિહોણા થઈ ગયા છે. 1 જૂનથી રાજસ્થાનમાં સામાન્ય કરતાં 133 ટકા વધુ વરસાદ પડ્યો છે.

ઓડિશાના 50 ગામોમાં પૂરની સ્થિતિ છે. જેના કારણે રાજ્યના 50 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. 24 વર્ષીય એક મહિલા વહેતા પાણીમાં તણાઈ ગઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF-SDRF, ODRF ટીમો તહેનાત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસમાં દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં પહોંચી શકે છે. આગળ પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.