Loading...

વડોદરાને પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા કાપડની થેલીનો પ્રોજેક્ટ શરૂ

વડોદરા મહાનગરપાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ખંડેરાવ માર્કેટ ખાતે પ્રાયોગિક ધોરણે "ક્લોથ બેગ વેન્ડિંગ મશીન" મૂકવામાં આવ્યું છે, જ્યાં માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખતાં જ એક કિલો જેટલો સામાન સમાવી શકે એવી કાપડની થેલી મળી જશે. આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં શહેરના 100 જેટલા સ્થળોએ આવા મશીનો સ્થાપિત કરવાની યોજના છે.

5 રુપિયામાં એક કિલો સામાન સમાય એવડી થેલી 

જો તમે થેલી લીધા વગર ખરીદી કરવા નીકળ્યા છો? થેલી લઇ જવાનું ભૂલી ગયા છો? પ્લાસ્ટિકના ઝબલામાં સામાન લેવા માંગતા નથી? તો ચિંતા કરશો નહીં. વડોદરા કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ફી સીટી બનાવાના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે ખંડેરાવ માર્કેટ ખાતે " ક્લોથ બેગ વેલ્ડીંગ મશીન" મુકવામાં આવ્યું છે. આ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખવાથી એક કિલો જેટલો સામાન આવે એવી થેલી મેળવી શકાશે. આ પ્રયોગ સફળ થયા બાદ આગામી સમયમાં 100 સ્થળો ઉપર આ મશીન મૂકવાનું પાલિકાનું આયોજન છે.

આગામી સમયમાં વોર્ડ દીઠ ક્લોથ બેગ વેન્ડિગ મશીન મૂકવાનું આયોજન 

વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફી સીટી બનાવવા માટે કવાયત હાથ ધરી છે. જે કવાયતના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા થેલી લીધા વગર શાકભાજી સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા નીકળતા લોકોને થેલી મળી રહે તે માટે આગામી સમયમાં ચોક્કસ સ્થળો ઉપર 100 જેટલા "ક્લોથ બેગ વેન્ડિગ મશીન " મશીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, હાલ ખંડેરાવ માર્કેટ એન્ટ્રી ગેટ ખાતે મશીન મૂકવામાં આવ્યું છે. આગામી એક સપ્તાહમાં 9 સ્થળો ઉપર એટલે કે દરેક વોર્ડમાં મૂકવામાં આવશે. ટૂંક સમયમાં તમામ 19 વોર્ડમા મશીન મૂકવાનું આયોજન કરાયું છે.

4.41 લાખમાં 9 મશીનની ખરીદી કરવામાં આવી 

આ અંગેની માહિતી આપતા કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રિ સિટી બનાવવા માટે કોર્પોરેશન ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. 15 ઓગસ્ટના રોજ "ક્લોથ બેગ વેન્ડિગ મશીન" નો શુભારંભ કરવામાં આવ્યો છે. રૂપિયા 49 હજારનું એક એવા 9 મશીન રૂપિયા 4.41 લાખમાં ખરીદવામાં આવ્યા છે. આ મશીન જે એજન્સી પાસેથી લેવામાં આવ્યા છે. તે એજન્સી દ્વારા 3 વર્ષ સુધી મેઇન્ટેનન્સ અને મશીનમાં થેલીઓ ખાલી થઇ જાય તો તેમાં મૂકી દેવા સુધીની કામગીરી કરશે.

આ મશીન સરકારની પ્રતિક્ષા પોર્ટલ સાથે કનેક્ટ રહેશે 

ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખવાથી અથવા સ્કેનર દ્વારા ઓનલાઇન 5 રૂપિયા જમા કરાવવાથી થેલી બહાર નીકળશે. આ મશીનની કેપેસિટી 100 થેલીની છે. જ્યારે મશીનમાં થેલીઓ ખલાસ થશે ત્યારે એજન્સી દ્વારા થેલીઓ મૂકી દેવામાં આવશે. આ મશીન સરકારની પ્રતિક્ષા પોર્ટલ સાથે કનેક્ટ રહેશે. કાપડની થેલીના વેચાણની રકમ એજન્સી લેશે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા નગરજનોની સુવિધા અને "સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રિ સિટી" બનાવવા માટે હાલમાં રૂપિયા 49 હજારની કિંમતનું એક એવા 9 મશીન ખરીદ્યા છે ત્યારે કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે તે સમય બતાવશે.