ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી:આજે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં 14થી 20 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી. ખાસ કરીને 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત પર હાલમાં 4 સિસ્ટમ સક્રિય છે અને હજુ 5મી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર હજુ વધશે. હવામાનની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસતી ગુજરાતમાં મેધ મહેર જોવા મળી રહી છે. જેમાં 15 ઓગસ્ટના રોજ જુનાગઢ, અમરેલી, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
તો 16 ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી હતી. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, પાટણ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. 28 તાલુકામાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે (17 ઓગસ્ટ) હવામાન વિભાગે એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 8 જિલ્લામાં ઓરેન્જ અને 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે.