Loading...

રાજકોટના લોકમેળામાં બીજા દિવસે કીડિયારું ઉભરાયું,મેળાને માણવા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટ્યા

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ લોકમેળાનો કાલે (16 ઓગસ્ટ) ચોથો દિવસ હતો. બીજા દિવસે પણ બપોર પછી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે 2 લાખ બાદ બીજા દિવસે 2 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી. ત્યારે ડ્રોન મારફત લેવાયેલ અવકાશી દ્રશ્યોમાં નીચે જાણે કિડીયારૂ ઉભરાયું હોય તે રીતે માનવ મહેરામણ જોવા મળ્યું હતું.

આ પળો લોકોની જિંદગીની અમૂલ્ય યાદ બનીને રહી જાય છે 

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો. મેળો એટલે મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ. રાજકોટના લોકમેળાની નાના-મોટા, ગરીબ, અમીર સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી દશમ સુધી મુલાકાત અવશ્ય લેતા હોય છે. લોકોનું હૈયે હૈયુ દળાઇ તેવી જનમેદની એ આ પાંચ દિવસ જોવા મળે છે. જીવનની આ પળો બાળકો, વૃદ્ધો, કિશોરો સૌની જિંદગીની અમૂલ્ય યાદ બનીને રહી જાય છે.

5 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે 

જન્માષ્ટમીના 5 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો તંત્રનો અંદાજ છે. 

ચકરડી, ફજતફાળકા, ટોરા ટોરા, ઝૂલાની મજા માણી રહ્યા છે લોકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ છવાયેલ હોય લોકમેળાની રંગત લેવા માટે લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ વહી રહ્યો છે. લોકમેળામાં ચકરડી, ફજતફાળકા, ટોરા ટોરા, ઝૂલા સહિતની અવનવી રાઈડસની મજા લોકો લઈ રહ્યા છે. મેળામાં આઈસ્ક્રીમ અને ખાણી-પાણીની લિજ્જત પણ લોકો માણી રહ્યા છે. આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને મેળાનો ત્રીજો દિવસ છે એટલે કે આજના દિવસે પણ 2 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AIનો ઉપયોગ 

ખાસ આ વખતે મેળામાં આવતા લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે સતત સવારના 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ડ્રોન મારફત મેળામાં AIની મદદથી ક્રાઉડ કાઉન્ટ અને મેનેજમેન્ટ માટે ઉપયોગી બને છે.