નવસારીના મેળામાં 50 ફૂટ ઊંચી રાઇડ નીચે પટકાઈ, VIDEO:બે બાળકો સહિત 5 લોકો ઘાયલ
નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વ રાત્રીએ 50 ફૂટ ઉંચી ટાવર રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજે 10માંથી 5 ગંભીર રીતે ઘવાયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી રાઈડ ઓપરેટરની ગંભીર હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે.
રાઇડ ઉપર ગયા બાદ અચાનક નીચે પટકાઇ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે. મંદિર પરિસરની જગ્યામાં ચગડોળ સહિતની વિવિધ રાઈડ્સ પણ લગાવવામાં આવી છે. ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે, ત્યારે ગત મોડી રાત્રીએ 11:45 આસપાસ અંદાજે 50 ફૂટ ઉંચા ટાવર સમાન લોખંડના પીલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી.
5 લોકોને ઇજા, એક ગંભીરઆ અકસ્માતમાં રાઈડમાં અંદાજે 10થી વધુ લોકો મજા માણી રહ્યા હતા, તેઓ ધડામ કરીને નીચે પટકાતા તમામને નાની મોટી ઇજા થઈ હતી. જેમાં બે મહિલા, બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કમરમાં વધુ માર વાગતા જશ રાજીવ ટંડેલ (ઉવ. 14), દીર્ઘ હેમંત ટંડેલ (ઉવ. 14), રોશની વિકાસ પટેલ (ઉવ. 30) અને દિશા રાકેશ પટેલ (ઉવ. 21)ને બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઇજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુરક્ષાના નિયમોના પાલન પર અનેક સવાલ
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઈડ તૂટી પડતા મેળા અને તેમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે. જેમાં પણ રાજ્ય સરકારની SOP પ્રમાણે નિયમોનું પાલન થયું છે કેમ..? જેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. ત્યારે નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમ નેવે મુકીને રાઇડર્સ ચાલતી હતી એ તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે. બીલીમોરા પોલીસે હાલ ઘાયલોના નિવેદનો લઈ, અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
