સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર હશે. રવિવારે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમના નામની જાહેરાત કરી.
રાધાકૃષ્ણન જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા અને તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા રાધાકૃષ્ણન BBAનો અભ્યાસ કર્યો હતો.
ઓબીસી કેટેગરીમાંથી આવતા રાધાકૃષ્ણન આરએસએસમાં જોડાયા અને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 1998 અને 1999માં કોઈમ્બતુરથી સાંસદ બન્યા. તમિલનાડુ ભાજપ પ્રમુખ તરીકે તેમણે 19 હજાર કિમી લાંબી રથયાત્રા કાઢી. રાધાકૃષ્ણનને રમતગમતમાં રસ છે. તેઓ કોલેજમાં ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા. તેમણે 20+ દેશોની યાત્રા કરી છે.
16 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા
સીપી રાધાકૃષ્ણનનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે. તેઓ 16 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે. રાધાકૃષ્ણન 1974માં ભારતીય જન સંઘની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા.
કોઈમ્બતુરથી બે વખત સાંસદ, તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ
રાધાકૃષ્ણન 1998 અને 1999માં ભાજપની ટિકિટ પર કોઈમ્બતુર લોકસભા બેઠક જીત્યા હતા. 1998માં તેઓ 1.5 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. 1999માં પણ તેઓ 55,000 મતોથી જીત્યા હતા.
રાધાકૃષ્ણન 2004થી 2007 સુધી તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા અને 19,000 કિમી લાંબી રથયાત્રા કાઢી હતી. આમાં તેમણે નદીઓને જોડવા, આતંકવાદનો અંત લાવવા, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને ડ્રગ્સના વ્યસન સામે અવાજ ઉઠાવ્યો હતો. 2020થી 2022 સુધી તેઓ ભાજપના કેરળ પ્રભારી હતા.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
2004માં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ હતા અને તાઇવાનના પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા. 2016માં તેમને કોચી સ્થિત કોઇર બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતની કોઇરની નિકાસ 2,532 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.
રમતગમતમાં રસ, 20થી વધુ દેશોની મુસાફરી કરી
રાધાકૃષ્ણનને રમતગમતમાં પણ ખૂબ રસ છે. કોલેજમાં તેઓ ટેબલ ટેનિસ ચેમ્પિયન અને લાંબા અંતરના દોડવીર હતા. તેમને ક્રિકેટ અને વોલીબોલનો પણ શોખ હતો. તેમણે યુએસ, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, જાપાન, ચીન, સિંગાપોર સહિત 20થી વધુ દેશોની યાત્રા કરી છે.