વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત, આઠનાં મોત:બે કાર ટકરાતાં આગ ફાટી નીકળી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત આઠ લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.
આઠ લોકોના મોત, ત્રણ ઇજાગ્રસ્ત મળતી માહિતી મુજબ વઢવાણ-લખતર હાઇવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર ધંધુકા તાલુકાના ઝીઝર ગામના અને લખતરના કડુ ગામના સગા સંબંધીઓના કુલ આઠ લોકોના મોત નિપજયા છે. જ્યારે ત્રણ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ
- (1) મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉ.વ. 49, રહે- કઠુ તા. લખતર )
- (2) રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉ.વ. 52, રહે- કઠુ તા. લખતર )
- (3) પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉ.વ. 35, રહે-ભાવનગર)
- (4) રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉ.વ. 32, રહે- ભાવનગર)
- (5) કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉ.વ. 60, રહે-ભાવનગર)
- (6) નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉ.વ. 58, રહે- હિંમતનગર સોસાયટી શેરી નં-2 જામનગર)
- (7) દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે- કચ્છ, ગાંધીધામ)
- (8) દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉ.વ. 10 મહિના, રહે-ભાવનગર)
અકસ્માતમાં મોતને ભેટેલો સગા-સંબંધીઓ સ્વિફ્ટ કાર (GJ-04-CJ-1855) માં કડુથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતા, ત્યારે હેરિયર કાર (GJ-01-WQ-3821) સાથે ટક્કર થયા બાદ સ્વિફ્ટ કાર રોડ નીચે ઉતરી હતી અને બાદ સ્વિફ્ટમાં ભયાનક આગ લાગી હતી. સ્વિફ્ટમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા છે. જેમના મૃતદેહોને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે હેરીયર કારમાં સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી જવા રવાના થઇ હતી. ઘટના સ્થળે દોડી આવેલા લોકો દ્વારા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લખતર પોલીસ પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.
