આજે 26 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 21 ઓગસ્ટ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હતી અને 17 ઓગસ્ટે એક નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
હવામાનની આગાહી પ્રમાણે, ગતરોજ (17 ઓગસ્ટ) ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જુનાગઢ, સુરત, બનાસકાંઠા, ડાંગ, તાપી સહિતાના જિલ્લાઓમાં 1 ઈંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. માંગરોળ તાલુકાના શીલ ગામે માલધારી સમાજના છોકરાઓ સાથે ભેંસો લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેત્રાવતી નદી પરના ગંગાઈ પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જતાં 12 વર્ષીય પ્રેમ બાબુભાઈ કોડીયાતર તણાઈ જતાં મોત નીપજ્યું હતું.