Loading...

સુરતમાં તિજોરી તોડી કરોડોના હીરાની ચોરી:ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીની તિજોરી કટરથી કાપી ડાયમંડ-રોકડા લઈ શખસો ફરાર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી થઈ છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ છે. ઓફિસની તિજોરી કટરથી કાપી ડાયમંડ અને રોકડા લઇ શખસો ફરાર થઈ ગયા છે.

કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં હીરાની ચોરી 

કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે. ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તસ્કરોએ ઓફિસની તિજોરી કટરથી કાપીને હીરા અને રોકડાની ચોરી કરી છે. આ ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ તે કરોડોમાં હોવાની શક્યતા છે.

તસ્કરો CCTV ફૂટેજ અને DVR પણ લઈ ગયા 

તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરાની તોડફોડ કરી અને DVR પણ ઉઠાવી ગયા છે. પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે. ઘટનાસ્થળે DCP, ACP સહિતની ટીમો અને FSLની ટીમ પણ પહોંચી છે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.

25 કરોડના હીરાની ચોરી 

આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રજા હોવાથી તસ્કરો ક્યારે આવ્યા અને ચોરી કરી છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ઇન્વૉઇસ બિલ પ્રમાણે લગભગ 25 કરોડથી પણ વધુના હીરાની ચોરી થઈ છે. અમે નજીકના કેમેરાની તપાસ કરી રહ્યા છીએ.