સૌરાષ્ટ્રના 5 દિવસના મેળાની વિધિવત પૂર્ણાહૂતિ:15 લાખથી વધુ લોકોએ માણ્યો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ ગણાતો રાજકોટનો રેસકોર્સ મેદાનનો લોકમેળો ગતરોજ(18 ઓગસ્ટ) પૂર્ણ થયો હતો. 5 દિવસ સુધી ચાલેલા આ લોકમેળામાં આશરે 15 લાખથી વધુ લોકોએ વિવિધ રાઈડ્સ અને ઝૂલા માણી મોજ કરી હતી. નાની ચકરડીથી લઈને ફજત ફાળકા જેવી 31 મોટી રાઈડ્સમાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે, નવી રેન્જર રાઈડ અને મોતના કૂવાને મંજૂરી ન મળતા તથા મેળાના દિવસોમાં વધારો ન કરતા ઘણા લોકો નિરાશ થયા હતા.
કલેક્ટરે લોકમેળાની સફળતાનો શ્રેય સતત ખડેપગે રહેલા વહીવટી તંત્ર, પોલીસ, કોર્પોરેશન, આરોગ્ય અને ફાયર વિભાગની ટીમોને આપ્યો હતો. આગામી વર્ષે રાઈડધારકો સમયસર ફોર્મ રજૂ કરશે તો ઝડપથી મંજૂરી આપવામાં આવશે તેમ પણ સ્પષ્ટ કર્યું હતું.
પોલીસ, આરોગ્ય અને ફાયર વિભાગની ટીમોએ ખૂબ જ સારુ કામ કર્યું- કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનના લોકમેળામાં અત્યાર સુધીમાં 14 લાખ જેટલા લોકો મેળાની મજા માણી ચૂક્યા છે. રાજકોટ પોલીસ કમિશનરનો ખાસ આભાર માન્યો કારણ કે, તેમની ટીમ દ્વારા લોકમેળામાં ક્રાઉડ કંટ્રોલ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કોર્પોરેશનની ટીમ દ્વારા પણ સારી મહેનત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દબાણ હટાવની કામગીરી યોગ્ય રીતે થઈ છે. વહીવટી તંત્રમાં પણ ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ દ્વારા દિવસ દરમિયાન રાઉન્ડ લગાવી અને નાની-નાની બાબતો અંગે ધ્યાન દોરી તેમાં સુધારા લાવવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય અને ફાયર દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવેલી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાઈડ સંચાલકો દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવામાં આવ્યું છે. આગામી વર્ષે લોકમેળા દરમિયાન અપેક્ષા રાખીએ કે, તમામ રાઈડ સંચાલકો સમયસર પોતાના ફોર્મ રજુ કરશે તો અમે ઝડપથી તેને મંજૂરી પણ આપી શકીશું. સ્ટેબિલિટીમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. જેનાથી અહીં આવતા લાખો લોકોની સુરક્ષા પણ જળવાઈ છે.
ડ્રોનથી જ ક્રાઉડ કંટ્રોલ યોગ્ય રીતે થયુંલોકમેળામાં આ વખતે ઘણા બધા નવાચાર પણ કર્યા છે. આ વખતે ડ્રોન મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવેલું છે. સમગ્ર વિસ્તારમાં જ્યાં પણ વધારે ભીડ એકત્ર થઈ જાય છે ત્યારે પોલીસ જવાનોની મદદથી ભીડને ડાયવર્ટ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ચોકથી આવતા ક્રાઉડને મોનિટર કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા આ વખતે રાખવામાં આવેલી હતી. ભીડ વધી જતા ક્યારે ગેટ ખોલવાનો છે અને ક્યારે ગેટ બંધ કરવાનો છે તે ડ્રોનની મદદથી ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો છે. આ ઉપરાંત રિયલ ટાઈમ કાઉન્ટ એટલે કે મેળામાં કેટલા માણસો છે તે પણ ડ્રોનથી જ ખ્યાલ આવતા ક્રાઉડ કંટ્રોલ યોગ્ય રીતે થયું છે. આ ઉપરાંત મેળામાં આવતા કોઈપણ વ્યક્તિને ડીહાઇડ્રેશન થઈ ગયું કે તબિયત લથડી તો તેનો તુરંત જ ખ્યાલ આવતા આરોગ્ય ટીમ દ્વારા તેમને સત્વરે સારવાર આપવામાં આવેલી છે.
