ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23 દિવસથી આંદોલન યથાવત્:આજે સૈનિક અધિકાર મહારેલી
ગુજરાતમાં ભૂતપૂર્વ સૈનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલું 'ઓપરેશન અનામત' આંદોલન આજે 23માં દિવસે પણ ચાલુ રહ્યું છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને 'ગુજરાત માજી સૈનિક સંગઠન' દ્વારા આજે મંગળવારે સૈનિક અધિકારી મહારેલી કાઢવાનું આયોજન કરાયું છે. આ રેલીને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
માજી સૈનિકોની માંગણીઓ
ભૂતપૂર્વ સૈનિકોની મુખ્ય માંગણી સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે. આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગ માટે જમીન, હથિયાર લાઇસન્સ, અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે.
'સત્યાગ્રહ છાવણીથી નીકળી સચિવાલય જઈ કોબા કમલમ સુધી મહારેલી' '
માજી સૈનિક સેવા સંગઠન'ના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું કે, આજે અમારા આંદોલનને 23 દિવસ પૂરા થયા છે. અનામતના અમલીકરણને લઈને અમે ધરણા પર બેઠા છીએ. હજુ સુધી અમારી માંગ સંદભૅ કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી. આથી, અમારા પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. આજે મંગળવારે મહારેલી યોજીશું. સત્યાગ્રહ છાવણીથી નીકળી સચિવાલય જઈ કોબા કમલમ સુધી જઈશું. જ્યાં થી પરત સત્યાગ્રહ છાવણી આવશું.
