Loading...

આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ, ગીર પંથકની નદીઓ બે કાંઠે:રાજ્યના 21 તાલુકામાં મેઘમહેર

હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 22 ઓગસ્ટ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને આજે અને આવતીકાલે (20 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છના છુટા-છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉના તાલુકામાં રાત્રિના બે કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો કચ્છના લખપતમાં સવારના ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લાછડી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપી છે, જેમાં પીપળવા, આછીદ્રા, ડાડેરી, છાપરી સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

સવારે 6થી 10 વચ્ચે ગુજરાતના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ, માળિયા હાટીનામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 11 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી 

મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ અપાયું છે.