Loading...

હાઇકોર્ટે આસારામના ચોથીવાર હંગામી જામીન લંબાવ્યા:3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. આમ, હવે 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી યોજાશે. આ પહેલાં 21 ઓગસ્ટ સુધીના હંગામી જામીન વધારી આપ્યા હતા.

નોંધનીય છે કે આ પહેલાં રાજસ્થાન હાઇકોર્ટે 29 ઓગસ્ટ સુધીના હંગામી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ વખતે આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરતાં તેમજ સામાન્ય દર્દીઓ માટે અમુક સમય ઓપીડી બંધ કરવામાં આવતાં હંગામો થયો હતો.

8 એમ્બ્યુલન્સે 20 મિનિટ રાહ જોવી પડી, 2 કલાક સિવિલ બાનમાં લીધી 

આસારામને જોધપુર હાઇકોર્ટના ઓર્ડરને પગલે 18 ઓગસ્ટ, 2025ની સવારે 10.45 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયો હતો. ખાનગી બોડીગાર્ડના કાફલા સાથે આવેલા આસારામની ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં તપાસ દરમિયાન અંદાજે ત્રણથી ચાર કલાક સુધી દર્દી-સગાંને હાલાકી ભોગવવી પડી હતી. આ પહેલાં આસારામની કારને રોંગ સાઇડથી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી લઈ જવાતાં આઠેક એમ્બ્યુલન્સના દર્દીઓએ વીસેક મિનિટ રાહ જોવી પડી હતી. આસારામના ખાનગી બોડીગાર્ડ્સે ટ્રોમા સેન્ટરના દરવાજા અન્ય દર્દીઓ માટે બે કલાક બંધ કરી દીધા હતા. જ્યારે ઓપીડી પણ અઢી કલાક માટે બંધ રહી હતી. એટલું જ નહિ, સાધકોએ પણ મીડિયાકર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી.

આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે ત્રણવાર જામીન લંબાવ્યા હતા 

આ પહેલાં 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ જામીન 01 મહિનો સુધી વધાર્યા હતા. ત્યાર પછી 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા.

ગુજરાત HCનો આધાર લઈ રાજસ્થાન HCએ જામીન લંબાવ્યા હતા આ પહેલાં રાજસ્થાન હાઇકોર્ટમાં આસારામ વતી વકીલ નિશાંત બોરડાએ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. ત્યાર બાદ રાજસ્થાન હાઇકોર્ટે 29 ઓગસ્ટ સુધીના હંગામી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ખૂબ જ ઊંચું છે. આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે.

ગઈ કાલે મંગળવારે અમદાવાદ સિવિલમાં હેલ્થ ચેકઅપ થયું હતું 

આસારામનું અમદાવાદ સિવિલ હોસ્લિટલની 13 નંબરની OPDમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતુંસ જ્યાં ECG અને ECO કરવામાં આવ્યાં હતાં. OPDમાંથી આસારામને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. આસારામ આવતાં સમગ્ર શહેરમાંથી જ્યાં ઇમર્જન્સીમાં દર્દીઓ આવે એ ટ્રોમા સેન્ટરનો ગેટ બંધ કર્યો હતો. આ દરમિયાન આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરી હતી. ટ્રોમા સેન્ટરમાં હેલ્થ ચેકઅપ કર્યા બાદ આસારામને સિવિલના અન્ય ગેટથી બહાર લઈ જવામાં આવ્યો હતો. આમ, આસારામ રાજસ્થાન જવા રવાના થયો હતો.