Loading...

પોલીસે માજી સૈનિકોની બોચી પકડીને ડિટેઇન કર્યા:50થી વધુ માજી સૈનિકોની અટકાયત

ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા 'ઓપરેશન અનામત' આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને 'ગુજરાત માજી સૈનિક સંગઠન' દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું છે, જેમાં રેલી પહેલાં માજી સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરાઈ છે. ત્યારે DySPએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી.

શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી 

મહારેલી યોજાઈ એ પહેલાં જ આજે(19 ઓગસ્ટે) વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્તમાં ફેરવાયું છે. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવાય છે તેમજ તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

50થી વધુ માજી સૈનિકોને ડિટેઇન કરાયા 

અત્યારસુધી 50થી વધુ માજી સૈનિકોને ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. અલગ અલગ નાકા પોઇન્ટ પરથી માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે પોલીસ દ્વારા માજી સૈનિકોને મહારેલી માટેની મંજૂરી આપવામાં આવી નથી. એના પગલે પોલીસ કાયદાકીય રીતે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

'મહારેલીની પરમિશન અપાઈ નથી'- DySP 

DySP ડી. ટી. ગોહિલએ જણાવ્યું હતું કે માજી સૈનિકોને મહારેલીની પરમિશન આપવામાં આવી નથી. એના કારણે તેમને ડિટેઇન કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લાના પ્રવેશદ્વાર પર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહારેલીના પગલે અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ જવાનોને અલગ અલગ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે.

સચિવાલય આવતાં વાહનચાલકોનું ચેકિંગ 

સચિવાલય માર્ગો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સચિવાલય તરફ આવતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને વાહનોની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. દરેક વાહનચાલકનું આઈકાર્ડ ચેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, અને આઈકાર્ડ વગર કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

'સત્યાગ્રહ છાવણીથી નીકળી સચિવાલય જઈ કોબા કમલમ સુધી મહારેલી'

માજી સૈનિક સેવા સંગઠન'ના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે જણાવ્યું હતું કે આજે અમારા આંદોલનને 23 દિવસ થયા છે. અનામતના અમલીકરણને લઈને અમે ધરણાં પર બેઠા છીએ. હજુ સુધી અમારી માગ સંદર્ભે કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી, આથી અમારા પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. આજે મંગળવારે મહારેલી યોજીશું. સત્યાગ્રહ છાવણીથી નીકળી સચિવાલય જઈ કોબા કમલમ સુધી જઈશું, જ્યાંથી પરત સત્યાગ્રહ છાવણી આવીશું. ​ભૂતપૂર્વ સૈનિકોનો આક્ષેપ છે કે, આ નિયમો હોવા છતાં એનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે.


Image Gallery