જૂનાગઢની મધુવતી અને મેઘલ નદીમાં ઘોડાપૂર:મેંદરડામાં છેલ્લાં 24 કલાકમાં 9.84 ઈંચથી જળબંબાકાર
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો, રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
ભાવનગરમાં છેલ્લા 4 કલાકમાં 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
ભાવનગર જિલ્લામાં સવારના 6 થી 10 કલાક સુધીના વરસાદના આંકડા વલ્લભીપુર - 2 મિમી,ઉમરાળા -2 મિમી, ભાવનગર - 8 મિમી, ઘોઘા -5 મિમી, સિહોર -7 મિમી, ગારીયાધાર -3 મિમી, પાલીતાણા -19 મિમી, તળાજા -11 મિમી, મહુવા - 121 મિમી તથા જેસર - 29 મિમી વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
પોરબંદર શહેરમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદપોરબંદર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેર ઉપરાંત બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક વધી છે.