બનાસકાંઠાના યુવાનો માટે સૈન્ય ભરતી તાલીમ શરૂ:પોલીસ હેડક્વાર્ટર ખાતે 30 દિવસની નિવાસી તાલીમ
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આર્મી, CRPF અને અન્ય પેરા મિલિટરી દળોમાં ભરતી માટે વિશેષ તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આયોજિત આ તાલીમમાં યુવાનોને રહેવા-જમવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવી છે.
તાલીમાર્થીઓને સવાર-સાંજ એક-એક કલાક પોલીસ વિભાગના ADI દ્વારા શારીરિક તાલીમ આપવામાં આવે છે. દિવસ દરમિયાન નિષ્ણાત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટરના વર્ગો લેવામાં આવે છે. આ તાલીમ 16 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થશે.
જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું કે આ યોજનાથી યુનિફોર્મ સેવાઓમાં બનાસકાંઠાના યુવાનોનું પ્રતિનિધિત્વ વધશે. તાલીમાર્થીઓને હાજરીના આધારે પ્રતિદિન રૂ. 100 લેખે મહત્તમ રૂ. 3000 DBT મારફતે સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. પ્રજાપતિએ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનો સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર માન્યો છે.