સુરતમાં આભ ફાટ્યું, બે કલાકમાં સાડાપાંચ ઈંચ વરસાદ:રસ્તાઓ પર નદીઓ વહી
સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે (23 જૂન) વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતી. સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 10થી 12 વાગ્યા દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા આજે શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી.
તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે. ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે.