સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી, પોલીસ સાથે ઘર્ષણ:NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓના સ્કૂલ સામે સૂત્રોચ્ચાર
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે (21 ઓગસ્ટ) યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત VHPએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા-વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલ આ ફરિયાદ નોંધાવી છે. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસ રૂમ, સ્કૂલ બસના કાચ તોડી, એલ.સી.ડી, કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકશાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
બંધના એલાન દરમિયાન બપોરના 12 વાગ્યા આસપાસ સેવન્થ ડે સ્કૂલ પર ફરી પરિસ્થિતિ વણસી હતી. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો હતો. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.
સ્કૂલ બહાર વિરોધ કરનારા તમામની અટકાયત કરી: એસીપીઆઇ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે સ્કૂલ બહાર વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી છે. સ્કૂલમાં તોડફોડ બાબતે 500 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
