Loading...

આજે દ્વારકામાં રેડએલર્ટ, વરસાદ ભુક્કા બોલાવશે:ઘેડ પંથક જળબંબાકાર

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (21 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો, રાજ્યના 206 જળાશયમાં 74.93% ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.

સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકામાં દોઢ ઈંચથી લઈને 1 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મેઘરજમાં 1.14 ઈંચ, ખાનપુરમાં 1.02, કવાંટમાં 0.98 ઈંચ વરસાદ નોંધાયો છે. બાકીના તાલુકાઓમાં અડધાથી 1 મિમી સુધીનો વરસાદ પડ્યો છે.

20 ઓગસ્ટએ સવારના 6થી રાતના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ 

ગુજરાતના 252 તાલુકામાંથી 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 20 તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેમાં 10 તાલુકા તો માત્ર સૌરાષ્ટ્રના છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13.31 ઇંચ, કેશોદમાં 11.22 ઇંચ, વંથલી અને પોરબંદર તાલુકામાં 10-10 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 12 તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં 20 તાલુકામાં પાંચ ઇંચથી વધુ, 36 તાલુકામાં ચાર ઇંચથી વધુ, 48 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, 67 તાલુકામાં બે ઇંચથી વધુ, 99 તાલુકામાં એક ઇંચથી વધુ નોંધાયો છે.