Loading...

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ:મેંદરડામાં 12.5 ઈંચ વરસાદથી જળબંબાકાર

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ (314 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 9.8 ઈંચ અને કેશોદમાં 9.6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે આલિધ્રા જેવા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઘેડમાં પૂરની પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન

જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી એકવાર પૂર આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભારે વરસાદને કારણે નદીના પાળા તૂટ્યા છે, જેના કારણે બામણાસા ઘેડ ગામમાં પાણી ઘૂસી ગયાં છે. પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ​પાણી ભરાઈ જવાથી આખું ગામ સંપર્કવિહોણું બની ગયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. આ પરિસ્થિતિને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તાઓ થયા બંધ 

ભારે વરસાદને કારણે મધુવંતી અને બંધૂકયો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. જિલ્લાના કુલ 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં આર.એન.બી. વિભાગના 9 અને પંચાયતના 9 રસ્તાઓનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એસ.ટી. બસના 6 રૂટ પણ રદ કરાયા છે. માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

સાબડી ડેમ ઓવરફલો, 52 ગામો એલર્ટ પર 

ભારે વરસાદના પગલે સાબડી ડેમમાં પાણીની આવક વધી જતાં તેના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા 52 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

દગડ તળાવનો પાળો તૂટ્યો 

માણાવદર શહેરમાંથી પસાર થતી ખારા નદી પર આવેલા દગડ તળાવનો પાળો તૂટી જતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ભોજન, પાણી અને રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે રાજકોટથી એનડીઆરએફ (NDRF)ની ટીમ બોલાવવામાં આવી છે.

15 લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા 

બીજી તરફ, જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે દાત્રાણા ગામે પૂરના પાણીમાં ફસાયેલા અંદાજે 15 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ગિરનાર પર્વત પર પણ ભારે વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું છે, જેથી ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માણાવદરમાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ 

માણાવદર તાલુકામાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જે આ કુદરતી આફતમાં એક દુઃખદ ઘટના છે. કલેક્ટરે જણાવ્યું છે કે, મેંદરડા, માણાવદર, વંથલી અને કેશોદના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે. હાલ વરસાદ થોભ્યા બાદ જ પરિસ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે.

ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિ 

ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની તમામ નદીઓ, નાળાં અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેના પરિણામે મેદાની અને નીચાણવાળા વિસ્તારો, ખાસ કરીને ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

મધુવંતી નદીમાં પૂર 

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મધુવંતી નદીમાં પૂર આવતા નદી પરના નવનિર્મિત પુલની બાજુનો ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયો છે. આ ઉપરાંત, મેંદરડાના સાતવડલા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સ્થાનિક સ્મશાનની દિવાલ પણ ધોવાઈ ગઈ છે.

ગીરનારની સીડીઓ પરથી પાણીના પ્રવાહ વહેતો થયો 

જૂનાગઢના ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે ગીરનારની સીડીઓ પરથી પાણીના પ્રવાહ વહેતા થયા છે, જેના કારણે સીડીઓ ઝરણામાં ફેરવાઈ ગઈ હોય તેવા અદ્ભુત દૃશ્યો સર્જાયા છે.