Loading...

આકાશી દ્રશ્યોમાં તાપીનું રૌદ્ર સ્વરૂપ:ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સૂર્યપુત્રી તાપી નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર-કમ-કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જ્યાંથી પાણીનો ઘસમસતો પ્રવાહ નદીમાં વહેતો જોવા મળ્યો છે. આકાશી દ્રશ્યોમાં આ નજારો સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે તાપીની તાકાત અને કુદરતના પ્રકોપનું ભયાનક ચિત્ર રજૂ કરે છે.

ઉકાઈ ડેમમાંથી પાણીનો સતત પ્રવાહ, તંત્ર એલર્ટ​​​​​​​

સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉકાઈ ડેમ ના કેચમેંટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમ માં પાણીની આવક સતત વધી રહી છે. પરિણામે, ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણીનો ઇન્ફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે. આ પાણી છોડવાને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી 48 કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોઝ-વેની ભયજનક સપાટી 8.32 મીટર, અઢી મીટરથી ઓવરફ્લોપાણીના વધેલા સ્તરને કારણે રાંદેર અને કતારગામને જોડતો કોઝ-વે ઓવરફ્લો થઈ રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે તે હાલમાં 8.32 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ભયજનક સપાટી કરતાં અંદાજે અઢી મીટર વધારે છે. આ દ્રશ્યો દર્શાવે છે કે તાપી નદી કેટલી વિકરાળ બની ગઈ છે અને તેના પ્રવાહની ગતિ કેટલી પ્રચંડ છે.

શહેરમાં જળબંબાકારની સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત 

સુરતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કતારગામ, ડભોલી, વેડરોડ અને સીંગણપુર જેવા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક દુકાનદારો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

તાપી નદીના કાંઠાના રહેવાસીઓને સાવચેતીની અપીલ ​​​​​​​

તાપી નદીના કિનારે રહેતા લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને તે ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે. તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ નદીના પાણીમાં ઉતરવાની કે નદી કિનારે જવાની ભૂલ કરવી જોઈએ નહીં.