CM રેખા ગુપ્તા પર હુમલા કેસમાં રાજકોટમાં તપાસનો ધમધમાટ:દિલ્હી પોલીસે કેટલાક શંકાસ્પદની પૂછપરછ કરી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં હુમલાખોર રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે આજે(22 ઓગસ્ટ) દિલ્લી પોલીસની ટીમ રાજકોટમાં તપાસ કરી રહી છે. ગઈકાલ રાતથી દિલ્લી પોલીસની ટીમ રાજકોટ પહોંચી તપાસ કરી રહી છે. આજે(22 ઓગસ્ટ) વહેલી સવારથી SOG ઓફિસ ખાતે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજેશના સબંધી અને તેમના મિત્ર દ્વારા તેને ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા એ દિશામાં પણ પૂછપરછ થઇ શકે છે.
આ ઉપરાંત તેમના કોલ ડિટેઇલ અને મેસેજનું ટેક્નિકલ એનાલિસિસ ચાલી રહ્યું છે.ત્યારે તપાસના અંતે શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.
હુમલો કરવા 17 ઓગસ્ટે રાજકોટથી નીકળ્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજેશ સાકરિયા 17 ઓગસ્ટે રાજકોટથી નીકળી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદથી તે ગાંધીનગર-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં ઉજ્જૈન પહોંચ્યો હતો. 18 ઓગસ્ટે તેણે ઉજ્જૈનમાં મહાકાલ, કાલ ભૈરવ અને મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા હતા પછી એ જ દિવસે સાંજના 6.30 વાગ્યે તેણે ઈન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો. 19 ઓગસ્ટે સવારના 6.30 વાગ્યે દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. દિલ્હીમાં તે કરેલ બાગમાં આવેલા હનુમાન મંદિરે ગયો હતો. પૂછપરછમાં રાજેશે એવો દાવો કર્યો હતો કે તે મુખ્યમંત્રી આવાસ બહાર ધરણા પર બેસવાની યોજના બનાવી ચૂક્યો હતો. કરોલ બાગમાં તેણે મુખ્યમંત્રીના આવાસનું સરનામું પૂછયું અને મેટ્રોથી શાલીમાર બાગ પહોંચ્યો હતો. ત્યાંથી 50 રૂપિયામાં ઓટોરિક્ષા લઈને તે મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શાલીમાર બાગ સ્થિત આવાસ પર પહોંચ્યો હતો.
અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો હતો. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવેલા ગોકુલ પાર્ક શેરી નંબર 2માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર ભાસ્કર પહોંચ્યું હતું. આ સમયે આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી. રાજેશના માતાએ જણાવ્યું હતું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે પશુપ્રેમી છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠિક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે.
રાજેશ સાકરિયા સામે અત્યાર સુધીમાં મારામારી અને પ્રોહિબિશનના પાંચ કેસ નોંધાયેલા છે. જેમાં ચારમાં તેનો નિર્દોષ છુટકારો થયો છે જ્યારે એક કેસ હજી પણ પન્ડિંગ છે.
કૂતરાના સમાચાર જોઈ મારો દીકરો સેટી પર હાથ પછાડવા લાગ્યો હતો- માતા
રાજેશની માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે, રાજેશ પશુ પ્રેમી હતો. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. ગત રવિવારના રોજ ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરતા હું દિલ્લી આવ્યો છું કુતરા માટે કહી ફોન કટ કરી દીધો હતો.
