અમરેલીના દરિયામાં ડૂબેલી ત્રણ બોટના 11 ખલાસી હજુ લાપતા:જાફરાબાદ બંદર પર 700 બોટ સુરક્ષિત
હવામાન વિભાગની ચેતવણીને પગલે જાફરાબાદ બંદરના માછીમારો છેલ્લા ચાર દિવસથી પરત ફરી રહ્યા છે. બંદર પર કુલ 700 જેટલી બોટ સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. જોકે, ત્રણ દિવસ પહેલા ત્રણ બોટ ડૂબી જતાં 11 ખલાસીઓ લાપતા છે, જેની કોસ્ટગાર્ડ શોધખોળ કરી રહ્યું છે.જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીના જણાવ્યા મુજબ, બંદર પરની તમામ બોટ સુરક્ષિત પરત ફરી છે. એન્જિન બંધ હોય તેવી બોટ પણ સલામત પહોંચી ગઈ છે. માત્ર એક ખાલી બોટ બંદર પર છે જેમાં કોઈ માણસો નથી.
હાલમાં ટોકન પ્રક્રિયા બંધ છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ માછીમાર દરિયામાં જશે નહીં. જાફરાબાદ બંદર વિસ્તારમાં કોળી સમાજ, ખારવા સમાજ અને મુસ્લિમ સમાજની તમામ બોટ સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. લાપતા 11 માછીમારોને લઈને સમગ્ર બંદર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. કોસ્ટગાર્ડ તેમની શોધખોળમાં સક્રિય સહયોગ આપી રહ્યું છે.