મુકેશ અંબાણીના માતા કોકિલાબેનની હાલત લથડી:HN રિલાયન્સમાં દાખલ કરાયા
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા. શુક્રવારે સવારે એરલિફ્ટ કરીને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની એક ટીમ તેમની સંભાળ રાખી રહી છે.
પ્રાથમિક તપાસમાં, ડોકટરોએ જણાવ્યું હતું કે 91 વર્ષીય કોકિલાબેનને થોડી નબળાઈ લાગતી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દાખલ થતાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ઘણા જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
અત્યાર સુધી અંબાણી પરિવારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં અંબાણી પરિવારનો કાફલો સાઉથ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ પહોંચતો જોવા મળ્યો હતો. આનાથી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી ગઈ છે. જોકે તેમની સ્વાસ્થ્ય સમસ્યા વિશે ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમની વૃદ્ધાવસ્થાને કારણે, પરિસ્થિતિની ગંભીરતા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અનિલ અંબાણી ભાવુક દેખાતા હતામાતાના સ્વાસ્થ્યના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાનો પુત્ર અનિલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી એરપોર્ટ પર ખૂબ જ નિરાશ અને ભાવુક દેખાતા હતા. બીજી તરફ, કોકિલાબેન છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈના પ્રખ્યાત ઘર એન્ટિલિયામાં તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેના પરિવાર સાથે રહે છે..
અબજો રૂપિયાની મિલકતના માલિક
કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ પરિવારના વરિષ્ઠ સભ્ય છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.57 કરોડથી વધુ શેર ધરાવે છે, જેની કિંમત આશરે 18,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમના લગ્ન 1955માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા. આ દંપતીને ચાર બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે.
પરિવારમાં મુખ્ય ભૂમિકા નિભાવી
ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી, જ્યારે પરિવારમાં વ્યવસાયના વિભાજન અંગે મતભેદો ઉભા થયા, ત્યારે કોકિલાબેન જ આગળ આવ્યા અને વિવાદનો ઉકેલ લાવ્યા. તેમણે જવાબદારીઓ અને સંપત્તિનું યોગ્ય રીતે વિતરણ કર્યું, જેનાથી પરિવારમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળી. તેઓ હંમેશા તેમના મોટા પુત્ર મુકેશ અને તેના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે.
તેમની લાઇફસ્ટાઇલ અને આદતો
કોકિલાબેન શાકાહારી છે અને તેમને દાળ, રોટલી અને ઢોકળી જેવા ગુજરાતી ભોજન ખૂબ ભાવે છે. તેઓ શ્રીનાથજીના ભક્ત છે અને ઘણીવાર દ્વારકાધીશ મંદિર (જામનગર) અને નાથદ્વારા (રાજસ્થાન) ની મુલાકાત લે છે. તેમનો પ્રિય રંગ ગુલાબી છે અને તેઓ ઘણીવાર ગુલાબી સાડીમાં જોવા મળે છે. તેમના 90મા જન્મદિવસ પર બધું જ ડેકોરેશન પણ ગુલાબી થીમ પર કરવામાં આવ્યું હતું.
