હજી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ ગુજરાતને ધમરોળશે:આજે 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 22થી 28 ઑગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
આજે અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે, આ બે સિસ્ટમની સંયુક્ત અસરથી રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, મોરબી, જામનગર અને કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચન
દરિયામાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.