Loading...

મહેસાણાના ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસની એટલે કે 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સાથે જ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

આજે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી 

25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળ્યાં છે. સાબરમતી નદી પર બૂલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, તે તમામ માલ-સામાન પાણીમાં વહી ગયો છે.